દિલ્હીમાં 3 કોર્ટ અને 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Spread the love

 

મંગળવારે દિલ્હીની ત્રણ જિલ્લા કોર્ટ અને 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સાકેત કોર્ટ, પટિયાલા હાઉસ કોર્ટ અને દ્વારકા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ, દિલ્હી પોલીસે બધી કોર્ટ ખાલી કરાવી અને તપાસ શરૂ કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ધમકીભર્યો ઈમેલ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ઈમેલ એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો હતો. આ પછી, બોમ્બ સ્ક્વોડ ત્રણેય કોર્ટ કેમ્પસની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે NIA આજે દિલ્હી લાલ કિલ્લાના કાર બોમ્બ બ્લાસ્ટના આરોપી જસીર બિલાલ વાનીને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવાનો છે. આ ઇમેઇલ તેના થોડા સમય પહેલા સવારે 11 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. આજે સવારે CRPFની 2 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક અજાણ્યા વ્યક્તિએ પોલીસને ફોન કરીને દાવો કર્યો હતો કે કેમ્પસમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. સવારે 9 વાગ્યાની આસપાસ પ્રશાંત વિહાર અને દ્વારકાની સ્કૂલોને ફોન આવ્યા બાદ, ટીમો બંને સ્થળોએ પહોંચી ગઈ અને સાવચેતીના પગલા તરીકે સ્કૂલો ખાલી કરાવવામાં આવી હતી.
NIA મંગળવારે આરોપી જસીર બિલાલ ઉર્ફે દાનિશને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરશે. આ પહેલા, રેપિડ એક્શન ફોર્સ ત્યાં તહેનાત કરવામાં આવી હતી. આરોપી હુમલામાં માર્યા ગયેલા આતંકવાદી ડૉ. ઉમરનો મિત્ર હોવાનું કહેવાય છે. સાકેત કોર્ટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી ધીર સિંહ કસાનાએ જણાવ્યું હતું કે કોર્ટની કાર્યવાહી લગભગ બે કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી અને બપોરના લંચ પછી ફરી શરૂ થશે. નવી દિલ્હી બાર એસોસિએશનના ઉપપ્રમુખ નવનીત પંવારે પુષ્ટિ આપી હતી કે પટિયાલા હાઉસ કોર્ટમાં કોર્ટની કાર્યવાહી ચાલુ છે, ફક્ત થોડા સમય માટે અટકાવાઈ હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સ્કૂલોને ધમકી આપ્યા બાદ ફોન કરનારનો ફોન બંધ થઈ ગયો હતો, અને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે. જોકે, ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે સ્કૂલોમાં તપાસ કરી. ત્યાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી. ધમકી ખોટી હોવાનું જાહેર કરવામાં આવી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *