ઇરાને સોમવારે (17 નવેમ્બર, 2025) ભારતીયો માટે ફ્રી વીઝા એન્ટ્રી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ઈરાને તેના વિઝા નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 22 નવેમ્બર, 2025 પછી કોઈપણ ભારતીયને વિઝા વિના એન્ટ્રી આપવામાં આવશે નહીં. ઈરાનની જાહેરાત બાદ ભારતના વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે
ઈરાનના વિઝા નિયમમાં ફેરફાર પર ભારતની પ્રતિક્રિયા
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “સરકારનું ધ્યાન ભારતીય નાગરિકોને રોજગારીના ખોટા વચનો અથવા ત્રીજા દેશોમાં આગળની મુસાફરીનું આશ્વાસન આપીને ઈરાન લઈ જવાની અનેક ઘટનાઓ પર ગયું છે. સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઉપલબ્ધ વિઝા છૂટનો લાભ લઈને આ વ્યક્તિઓને ઈરાન મુસાફરી કરવા માટે લલચાવવામાં આવ્યા હતા. ઈરાનમાં પહોંચ્યા પછી તેમાંથી ઘણાનું ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું.”
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ કારણોસર ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની સરકારે 22 નવેમ્બર, 2025 થી ઈરાન મુસાફરી કરતા સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઉપલબ્ધ વિઝા છૂટની સુવિધા સ્થગિત કરી દીધી છે. આ પગલાનો હેતુ ગુનાહિત તત્વો દ્વારા સુવિધાનો વધુ દુરુપયોગ અટકાવવાનો છે. 22 નવેમ્બરથી સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિકોને ઈરાનમાં પ્રવેશવા અથવા ઈરાન થઈને મુસાફરી કરવા માટે વિઝા મેળવવાની જરૂર પડશે.”
ઈરાને ફ્રી વિઝા એન્ટ્રી સમાપ્ત કરી
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “ઈરાન મુસાફરી કરવા માંગતા તમામ ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને ઈરાનથી ત્રીજા દેશોમાં ફ્રી વિઝા ટ્રાવેલ અથવા આગળની મુસાફરી ઓફર કરતા એજન્ટોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.”
ઈરાનની વિઝા નીતિમાં ફેરફાર પ્રવાસન, વ્યવસાય, અભ્યાસ અથવા પરિવહન માટે ત્યાં મુસાફરી કરતા ભારતીયોને અસર કરશે. ઈરાને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિકો માટે વન-વે પ્રવાસી વિઝા રદ કરવાના નિયમોનો અમલ 22 નવેમ્બર, 2025 સુધી સ્થગિત કરવામાં આવ્યો છે.
ઈરાન ભારતીયો માટે એક લોકપ્રિય દેશ રહ્યો છે.
ભારત સરકારે થોડા મહિના પહેલા ભારતીય નાગરિકો માટે ઈરાનની મુસાફરી અંગે એક એડવાઈઝરી જાહેર કરી હતી. નોકરીની ઓફરના બહાને ગુનાહિત ગેંગ દ્વારા ભારતીયોને ઈરાનમાં લલચાવવા અને તેમનું અપહરણ કરવાની ઘટનાઓના જવાબમાં આ સલાહ આપવામાં આવી હતી. ઈરાન તેના ઇતિહાસ અને સંસ્કૃતિને કારણે લાંબા સમયથી ભારતીય પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ રહ્યું છે. ઇસ્ફહાન, શિરાઝ અને તેહરાન જેવા શહેરો તેમના પર્શિયન સ્થાપત્ય અને વારસા માટે જાણીતા છે, જ્યારે મશહદ અને કોમ તેમના ધાર્મિક મહત્વને કારણે યાત્રાળુઓને આકર્ષે છે.