ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા ફોરેસ્ટ કોલોનીમાંથી દટાયેલી હાલતમાં માતા અને બે બાળકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો, જોકે પોલીસે પતિ દ્વારા ત્રણે વ્યક્તિઓના ગુમ થયા અંગેની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી, પરંતુ એકપણ દિશામાંથી પગેરું નહીં મળતા પોલીસે ફરિયાદીની જ ઉલટ તપાસ શરૂ કરી હતી, જે બાદ સમગ્ર મામલો સામે આવતા પોલીસના રુંવાડા પણ ઊભા થઈ ગયા હતા, જેમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવનાર પતિ જ ત્રણેનો હત્યારો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
શૈલેષ ખાંભલા પત્ની સાથે રહેવા ન માંગતો હતો
મોટા સુરક ગામના નૈનાબેન અને સેંદરડા ગામના શૈલેષના લગ્ન થયા હતા. લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રી પૃથા અને પુત્ર ભવ્યની પ્રાપ્તિ થઈ હતી. નૈનાબેનના પતિ શૈલેષ ખાંભલા હાલ વનવિભાગના વિસ્તરણ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા હતા. અગાઉ તેઓએ દાહોદ જિલ્લામાં અને ત્યાર બાદ જૂનાગઢના મેંદરડા અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી હતી. જ્યારે એક વર્ષ પહેલા શૈલેષ ખાંભલાની ACF ના પ્રમોશન સાથે બોટાદ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તરણ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. વનવિભાગની નોકરી દરમ્યાન 40 વર્ષીય પત્ની નૈનાબેન, 13 વર્ષીય પુત્રી પૃથા અને 9 વર્ષીય પુત્ર ભવ્ય સુરત ખાતે રહેતા હતા. પતિ-પત્ની વચ્ચે સાથે રહેવા બાબતે અનેક વખત રકઝક થતી હતી, જેમાં પત્ની નૈનાબેન પતિ સાથે રહેવા માંગતી હતી. પરંતુ શૈલેષ ખાંભલા તેને સાથે રાખવા માંગતો ના હતો. ત્યારે દિવાળી બાદ પત્ની નૈનાબેન બંને બાળકો સાથે ભાવનગર આવ્યા હતા, જેઓ 5 તારીખે સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા અંગે પતિ શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ મથકે લેખિત અરજી કરી હતી.
પરિવારના ગુમ થયાના ફરિયાદ પણ કરી
વનવિભાગમાં ACF તરીકે ફરજ બજાવતો શૈલેષ ખાંભલા દ્વારા 7 નવેમ્બરના રોજ ભરતનગર પોલીસ મથકે લેખિત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેની પત્ની નૈનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરત જવાનું કહી ગુમ થયા છે, જેની કોઈ ભાળ નથી મળી. જે અંગે પ્રથમ પોલીસે જાણવાજોગ અરજી દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ રબારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાવનગર પોલીસ અધિક્ષકને મળી ત્રણેની શોધખોળ કરી શોધી આપવા રજૂઆત કરી હતી. જે બાદ પોલીસે અલગ અલગ ટીમે બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ પરિવારને શોધવા જવાનું કહી તે સુરત જવા નીકળી ગયો હતો.
અરવલ્લીમાં દર્દનાક ઘટના : એમ્બ્યુલન્સની આગમાં નવજાત બાળક સહિત ચાર લોકો જીવતા ભુંજાયા
ઘર પાસેના ખાડામાંથી ત્રણેયની લાશ મળી હતી
પોલીસે પતિ શૈલેષ ખાંભલા દ્વારા જણાવ્યા પ્રમાણે તપાસ હાથ ધરી હતી, જેમાં તેના જણાવ્યા પ્રમાણે તપાસ કરવા છતાં કોઈ પગેરું નહીં મળતા પોલીસને પતિ શૈલેષ પર શંકા ઉપજી હતી. જે બાદ શંકાના આધારે પોલીસે ફોરેસ્ટ કોલોની ખાતે રહેતા અને વિભાગીય કર્મચારીઓને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં શૈલેષ ખાંભલાએ પરિવારના ત્રણે લોકો ગુમ થયા પૂર્વે ઘર નજીક કચરો દાટવા મોટો ખાડો કરાવ્યો હોવાનું અને તેને થોડા દિવસ બાદ બુરાવી દીધો હોવાની માહિતી મળી હતી. જે બાદ પોલીસે સુરત પોલીસની મદદ લઈ શૈલેષ ખાંભલાની શંકાના આધારે અટકાયત કરી હતી. જ્યારે ભાવનગર પોલીસે વનવિભાગના કર્મચારીઓ પાસેથી મળેલી માહિતીને લઈને શંકાના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરતા 40 વર્ષીય પત્ની નૈનાબેન, 13 વર્ષીય પુત્રી પૃથા અને 9 વર્ષીય પુત્ર ભવ્ય ના મૃતદેહ જમીનમાં કરાયેલ ખાડામાં દટાયેલી હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો હતો. પોલીસે ત્રણેના મૃતદેહને બહાર કઢાવી પેનલ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પત્ની, પુત્રી અને પુત્રની મોઢે ઓશીકું દબાવી ઠંડા કલેજે હત્યા કરી ખાડામાં નાખ્યા
વનવિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા અધિકારી શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકો ગુમ થયા અંગે પોલીસને પણ અવળા માર્ગે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણે પ્રથમ ત્રણે લોકો શહેરના જશોનાથ સર્કલ પાસે રિક્ષામાંથી ઉતર્યા હોવાની વાત વહેતી કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં તેના દ્વારા જણાવવામાં આવેલી તમામ વાતો ખોટી સાબિત થઈ હતી. જેના કારણે શૈલેષ ખાંભલા પોલીસને ગુમરાહ કરતો હોવાની શંકા ઉપજી હતી. જેથી તેની સુરત ખાતેથી અટકાયત કરી પોલીસ તેને ભાવનગર લઈ આવી હતી, જ્યાં તેની સઘન પૂછપરછ કરતા તેણે પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા અને ઘરેલું ઝઘડાના કારણે જેસીબીની મદદથી ઘર નજીક ખાડો ખોદાવ્યો હતો, અને ત્યાર બાદ પત્ની, પુત્રી અને પુત્રની મોઢે ઓશીકું દબાવી ઠંડા કલેજે હત્યા કરી ખાડામાં નાખી તેના પર ગાદલું ઢાંકી ખાડો માટીથી પુરી દીધો હોવાની કબૂલાત કરી હતી.
હાલ તો પોલીસે હત્યારા પતિ શૈલેષ ખાંભલાની ધરપકડ કરી કોર્ટમાંથી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.
ACF શૈલેષ ખાંભલાના પિતાએ કહ્યું, મારા દીકરાને કડકમાં કડક સજા થવી જોઈએ
બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યાથી સમગ્ર ખાંભલા પરિવાર આઘાતમાં છે. ભારે હૈયે ACF શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈએ વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, મારા બે ફૂલ જેવા કોમળ બાળકો, મારા પુત્રવધૂ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્ય કરીને મોતને ઘાટ ઉતાર્યા છે, એના પ્રત્યે મને તો દુઃખ છે. મારો આખો પરિવાર દુઃખી છે. મારો એક પંખીડાનો માળો વિખેરાઈ ગયો છે. પોલીસ તપાસમાં આ ભયંકર કૃત્ય માટે ‘શૈલેષ ખાંભલા’નું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે. શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે. આ બહુ દુઃખદાયક છે. આમાં કોઈ પણ સામેલ હોય તેની ઊંડી તપાસ કરો.