
રાજ્યના મુખ્યમંત્રીની તાજેતરની વીડિયો કોન્ફન્સમાં શહેરમાં તમામ રસ્તા ગુણવત્તાયુક્ત બને તે માટે સૂચના આપી હતી. આ બેઠક બાદ અમદાવાદ શહેરમાં રસ્તા તૈયાર કરવાની કામગીરી ઝડપી બની હોવાનું દેખાઈ રહ્યું છે. મ્યુનિ. કમિશનર દ્વારા પણ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને રસ્તા ગુણવત્તાયુક્ત તૈયાર થાય તે જોવા તાકીદ કરી છે.
આટલું જ નહીં, શહેરના રસ્તાના કામો 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે સુચના પણ આપવામાં આવી છે. હાલમાં શહેરમાં 32 જેટલા રસ્તાના કામો પૂર્ણ થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ડિસેમ્બર સુધીમાં 200 જેટલા રસ્તાના કામો પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકાના કમિશનર તથા મેયર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં સૌથી મહત્વનો મુદ્દો રસ્તાની કામગીરી અંગેનો રહ્યો હતો. વીડિયો કોન્ફરન્સમાં શહેરમાં રસ્તાના કામો ગુણવત્તાયુક્ત થાય અને નિતય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી. આ સુચનાના પગલે અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા શહેરના તમામ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના ઈજનેરો સાથે બેઠક કરી હતી. જેમાં શહેરના વિવિધ રસ્તાઓની વિગતો મેળવી હતી અને જ્યાં રસ્તાના કામ બાકી છે ત્યાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.
જે રસ્તાઓ પર ખાડા પડ્યા છે, ત્યાં તાત્કાલીક રિરસફેસ સહિતી કામગીરી કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર દ્વારા શહેરમાં 31 ડિસેમ્બર સુધીમાં બાકી રહેલા 200 જેટલા રસ્તાના કામો પુરા કરવા માટે સુચના આપી હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં શહેરના 32 જેટલા રસ્તા તૈયાર કરવાની કામગીરી પર્ણ થઈ ચકી છે. જ્યારે બાકી રહેલા રસ્તાની કામગીરી પણ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. શહેરમાં રસ્તાની કામગીરીને લઈને હાલમાં 13 પ્લાન્ટ દિવસ-રાત કાર્યરત છે, અને રોજ સરેરાશ 7 હજાર મેટ્રીક ટન રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા યોગ્ય ગુણવત્તાયુક્ત રસ્તા તૈયાર થાય તે માટે જ્યાં પણ કામગીરી ચાલી રહી છે ત્યાં જાતે નિરીક્ષણ કરવા પહોંચી જાય છે. તાજેતરમાં જ એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફના નવા 30 મીટર પહોળા રસ્તાની ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પણ કમિશનર ગયા હતા. આ જ રીતે ઈજનેરો અને અધિકારીઓને પણ શહેરના રસ્તાઓની કામગીરીની સમીક્ષા કરવા અને કામો દિવસ રાત ચાલુ રાખી ગુણવત્તાના ધોરણનું પાલન થાય તે જોવા તાકીદ કરી છે. હાલમાં શહેરમાં રોડ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાપમાન એક વખત સેટ કર્યા બાદ મશીન દ્વારા જ કામગીરી થતી હોય છે.