અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે આગામી દાયકામાં ટેક્સાસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં 40 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે ત્યારે ગૂગલના જ સીઈઓ સુંદર પિચાઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામે આંખ મીંચીને વિશ્વાસ કરતા યુઝર્સને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, AI જે પણ કંઈ બતાવે છે તેના પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં. ઉપરાંત AIમાં રોકાણનો ફુગ્ગો ફાટશે ત્યારે ગૂગલ સહિત કોઈપણ કંપની તેની વિપરિત અસરોથી બચી શકશે નહીં.
“AI કરતાં ગૂગલ વધુ સચોટ માહિતી આપે છે”
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ લોકોને ચેતવણી આપતા કહ્યું કે, AI જે પણ કંઈ બતાવે છે તેના પર આંખ મિંચીને વિશ્વાસ કરવો જોઈએ નહીં. હાલના AI મોડેલ ભૂલો કરી શકે છે, તેથી તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. AI રચનાત્મક લેખ જેવા કામોમાં ખૂબ મદદ કરી શકે છે, પરંતુ તેની દેરક વાત પર વિશ્વાસ કરી શકાય નહીં. લોકોએ ગૂગલ સર્ચ જેવી અન્ય સુવિધાઓનો પણ ઉપયોગ કરતા રહેવું જોઈએ, કારણ કે તે વધુ સચોટ માહિતી આપે છે.
ભવિષ્યમાં AIનો ફુગ્ગો ફૂટી શકે છે
AI ટેક્નોલોજીમાં ભૂલની સંભાવના વધુ છે. ગૂગલે આ વર્ષે મે મહિનામાં પોતાના સર્ચમાં AI મોડ શરૂ કર્યું હતું, જેમાં જેમિની ચેટબોટ મારફત વપરાશકારને કોઈપણ નિષ્ણાત સાથે વાત કરતા હોય તેવો અનુભવ મળે છે. પિચાઈએ કબૂલ્યું કે, ગૂગલ આ મોડને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. છતાં વર્તમાન AI ટેક્નોલોજીમાં ક્યારેક ભૂલો થઈ જાય છે. કોઈપણ કંપની સંપૂર્ણપણે સુરક્ષિત નથી. પિચાઈએ કહ્યું કે, AIમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે, અને તેમાં અનાવશ્યક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ભવિષ્યમાં AI રોકાણનો ફુગ્ગો ફૂટી શકે છે.
કોઈ પણ કંપની બચી નહીં શકે
પિચાઈએ જણાવ્યું કે, AIમાં રોકાણનો ફુગ્ગો ફાટશે ત્યારે ગૂગલ જ નહીં કોઈપણ કંપની સંપૂર્ણપણે સુરક્ષિત નહીં રહે. જોકે, તેમણે વિશ્વાસ અપાવ્યો કે ઈન્ટરનેટની જેમ AIમાં પણ ભવિષ્યમાં ખૂબ જ મોટા પરિવર્તનો આવશે. પોતાની ચિપ્સ, ડેટા, મોડલ અને રિસર્ચની આખી શ્રેણી હોવાના કારણે ગૂગલ આ સ્થિતિનો વધુ સારી રીતે સામનો
કરી શકશે.