
જૂનાગઢના રાણપુરમાં તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો છે. મનપા ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો છે. 45 વર્ષીય મનોજભાઈ મારુનું મોત થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના રાણપુર ગામના લાલજી સરોવરમાંથી વહેલી સવારે એક 45 વર્ષીય આધેડ મનોજ મારુ નામના યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહ મળવાની જાણ થતાં મનપા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગના નૂર મહંમદ શેખ ,મહેન્દ્રબાપુ ,લલિત વાળા ,સાગર ચૌહાણ ,ઘનશ્યામ સિસોદિયાએ ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખ 45 વર્ષીય મગન ઉર્ફે મનોજ જેઠાભાઈ મારુ તરીકે થઈ છે, જે રાણપુર ગામના જ રહેવાસી હતા. મનોજ મારુ રેતીનું ડમ્પર ચલાવીને પોતાના ત્રણ સંતાનો (બે દીકરી અને એક દીકરો) સહિત પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આ સમગ્ર ઘટનાને મૃતકના પરિવારે શંકાશીલ ગણાવી છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારે શંકા વ્યક્ત કરતા મામલાની ગંભીરતા વધી છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભેસાણની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના પરથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. જો મૃતકના શરીર પર ઈજાના નિશાન કે અન્ય શંકાસ્પદ તથ્યો સામે આવશે તો પોલીસ હત્યા સહિતના અન્ય કારણોની દિશામાં પણ તપાસ તેજ કરશે.