સુરત જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ

Spread the love

 

સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ના પ્રમુખ અને શહેરના જાણીતા વ્યક્તિ કનૈયા કોન્ટ્રાક્ટર (ઉં.વ. 82)ની આજે (20 નવેમ્બર) આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા સગાં-સંબંધીઓ સાથે આચરવામાં આવેલી છેતરપિંડી અને પદનો દુરૂપયોગ કરવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે.
કેસની વિગત અનુસાર, આરોપી કનૈયા કોન્ટ્રાક્ટરે તેમના સગાભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજો પર ખોટી સહીઓ કરીને તેમણે બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી રૂપિયા 2.92 કરોડની લોન મેળવી હતી. લોન મેળવ્યા બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા. આ કૃત્ય બદલ તેમની સામે સુરત ઈકો સેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ધરપકડના ડરથી કનૈયા કોન્ટ્રાક્ટરે સૌપ્રથમ સુરતની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, મૂળ ફરિયાદી તરફે વકીલ મનવી પટેલની ધારદાર દલીલો અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ, ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં પણ તેમની આગોતરા જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને 6 અઠવાડિયાનો સમય આપીને બે નિર્દેશ કર્યા હતા, જેમા બોગસ ડોક્યુમેન્ટ્સથી મેળવેલી લોનની સંપૂર્ણ ભરપાઈ કરવી અને બનાવેલા બોગસ દસ્તાવેજો મૂળ ફરિયાદીને પરત કરવા.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી, પરંતુ બોગસ ડોક્યુમેન્ટ્સ પરત આપ્યા ન હતા. આ અંગે મૂળ ફરિયાદીએ ફરીવાર સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરીને આરોપીની દસ્તાવેજો પરત ન આપવાની ગુનાહિત માનસિકતા રજૂ કરી હતી. આખરે, સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી વચગાળાની તમામ રાહત રદ્દ કરી દીધી હતી અને વચગાળાનું રક્ષણ પણ પરત ખેંચી લેવાયું હતું. સાથે જ અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારીજ કરવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ પાછું ખેંચી લેવાતા સુરત ઈકો સેલે તાત્કાલિક કાર્યવાહી કરીને SDCAના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *