
ગોધરા SRPના કર્મચારી મંડળ માટે SRPના ASIએ ગિફ્ટ મંગાવી હતી. ગિફ્ટ માટેનું 8.37 લાખ રૂપિયા બિલ બન્યું હતું. જે બિલ પાસ કરવા ગિફ્ટનું કામ કરનાર વેપારી પાસેથી ASIએ 2.51 લાખ રૂપિયા માંગ્યા હતા. જેમાંથી 97 હજાર અગાઉ આપી દીધા હતા, જ્યારે બાકીના 1.44 લાખ રૂપિયા આપવાના બાકી હતા. જે રૂપિયા લેવા SRPના ASI રોશન કુમાર ભુરીયા વતી AMCનો સુપરવાઈઝર પ્રિન્સ ડામોર ગયો હતો. ACBએ લાંચ લેતા AMCના સુપરવાઈઝર અને SRPના ASIને ઝડપી લીધા છે. ગોધરા SRP ગ્રુપ 5માં ફરજ બજાવતા ASI રોશન કુમાર ભુરીયા કર્મચારી ધિરાણ ગ્રાહક સરકારી મંડળીના મંત્રી છે. સપ્ટેમ્બર મહિનામાં રોશન કુમારે પોતાની મંડળીના સભ્યોને વાર્ષિક ભેટ આપવા માટે 670 નંગ ગિફ્ટ આર્ટીકલનો ઓર્ડર આપ્યો હતો.ઓર્ડર આપતા સમયે જ રોશન કુમારે થોડો ઘણો વ્યવહાર કરવો પડતો હોય છે એવી વાતચીત કરી હતી.જે બાદ 13 નવેમ્બરના રોજ ફરિયાદીએ ગિફ્ટ આર્ટીકલ મોકલ્યા હતા જેના 8.37 લાખ રૂપિયા લેવાના હતા.
બિલની રકમના કુલ 30 ટકા લેખે 2.51 લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ રકઝક કરી હતી.જોકે ફરિયાદી શરૂઆતમાં 97,000 ASI રોશન કુમારના કહેવાથી કોન્ટ્રાક્ટ પરના સોલિડ વેસ્ટ કલેક્શન વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રિન્સ ડામોર નામના વ્યક્તિને આપ્યા હતા.જે બાદ બાકીના 1.44 લાખ રૂપિયાની પણ રોશન કુમારે માંગણી કરી હતી. ફરિયાદીને લાંચ ના આપવી હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું જે દરમિયાન ફરિયાદીએ બાકીની લાંચની રકમ લેવા માટે રોશન કુમારને તેમની જ નહેરુ બ્રિજ ખાતે આવેલી ઓફિસમાં બોલાવ્યા હતા. રોશનકુમાર વતી ફરીથી લાંચ લેવા માટે પ્રિન્સ ડામોર જ આવ્યો હતો. ACBએ પ્રિન્સ ડામોરને ફરિયાદીની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપી લીધો હતો. જ્યારે રોશન કુમારને ઓઢવ રીંગરોડ ખાતે આવેલા AMCના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.