ગુજરાતમાં પહેલીવાર મહિલા બસ પાઇલટ સંભાળશે સ્ટીયરિંગ

Spread the love

 

સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી છે. આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ એ માટે મહિલા પાઇલટ મળતી ન હતી. આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાઇલટ મળી ગઇ છે. આ મહિલા બસ પાઇલટનું નામ નિશા શર્મા છે અને તે ઈન્દોરની રહેવાસી છે. એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી. 20 નવેમ્બર ગુરુવારે આ પ્રથમ મહિલા પાઇલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે 11 વાગ્યે ફલેગ ઓફ સેરેમની યોજાશે. મહિલા પાઇલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે. રાજ્યની પ્રથમ મહિલા પાઇલટ હોવાનો પાલિકાનો દાવો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા આ ઈ-ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાને રોજગારી મળી હતી. પહેલી મહિલા પાઇલટ મળ્યાં બાદ હવે વધુ મહિલા પાઇલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારાશે.
શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરનાં તમામ BRTS રૂટ પર ઈ-બસો દોડાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ-યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 20 મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક BRTS બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતાં આજથી ગુજરાતની પહેલી પિંક BRTS બસ સુરત શહેરનાં રસ્તાઓ પર દોડતી નજરે પડશે, જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કન્ડકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. પહેલો રૂટ ONGCથી સરથાણા સુધીનો રહેશે, જેનું આજે લોન્ચિંગ કરવામાં આવશે. બસમાં મુસાફરી કરનારી મહિલાઓ માટે પણ પિંક બસ દોડાવવા માટે વહીવટી તંત્રને 20 મહિના સુધી લાંબો ઈંતજાર કરવો પડ્યો હતો. 20 મહિનાની શોધખોળને બાદ અંતે ઇન્દોરમાં રહેતી અને બસચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂક કરવામાં આવી છે.
સુરતની BRTS બસનું સ્ટીયરિંગ હવે એક એવી મહિલાના હાથમાં આવ્યું છે. તે માત્ર પોતાનું જ નહીં, પરંતુ બે બાળકોનાં ભવિષ્યનું પણ વહન કરી રહી છે. મૂળ ઇન્દોરની રહેવાસી અને સિંગલ મધર એવી નિશા શર્મા સુરતની પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર બની છે. નિશા શર્માએ વર્ષ 2021માં હેવી વ્હીકલ લાઇસન્સ મેળવ્યું હતું. નિશા અગાઉ ઇન્દોરના BRTS રૂટ પર પણ સાડાતેર મીટરની બસ સફળતાપૂર્વક ચલાવતી હતી. તેને લગભગ ચાર વર્ષનો હેવી વ્હીકલ ચલાવવાનો અનુભવ છે. ગત વર્ષે જ્યારે સુરતમાં મહિલા BRTS ડ્રાઈવરની જાહેરાત આવી ત્યારે નિશાએ છાપામાં વાંચ્યું હતું, જોકે એક સિંગલ મધર હોવાના કારણે નવા શહેરમાં પરિવાર સાથે રહેવું તેના માટે એક મોટો પડકાર હતો. દિવાળી પહેલાં જ નિશાએ હિંમતભેર નિર્ણય લીધો કે તે સુરતમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવશે. તેના મજબૂત અનુભવ અને લાઇસન્સને કારણે તે BRTSના તમામ માપદંડોમાં ખરી ઊતરી હતી. આ એક મહિનાની સઘન તાલીમ બાદ નિશાને ઓન બોર્ડ કરવામાં આવી છે. નિશા શર્માનું આ પગલું સાબિત કરે છે કે સિંગલ મધર હોવું કે બીજા રાજ્યની હોવું કોઈપણ લક્ષ્યની વચ્ચે અવરોધ બની શકતું નથી. નિશાનું આ સાહસ મહિલાઓ માટે સાર્વજનિક પરિવહનના ક્ષેત્રમાં એક નવું સીમાસિહ્ન સ્થાપિત કરે છે. નિશા શર્માના પરિવારમાં તેની માતા અને બે બાળકો છે, જેઓ હાલ ઇન્દોરમાં છે. ત્રણેયની જવાબદારી નિશાના ખભા પર છે. હાલમાં તેઓ રૂપિયા 22,000ની સેલેરી પર ઇન્દોર છોડીને સુરત આવી છે, જોકે તંત્ર તરફથી આવનારા દિવસોમાં સેલરી વધારવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર માત્ર ‘પિંક બસ’ જ નહીં, પરંતુ સામાન્ય BRTS બસ પણ મહિલા ડ્રાઇવરો ચલાવે એ માટે તૈયાર છે. ઇન્દોરની યુવતી નિશા શર્મા સુરત અને સુરતમાં પહેલી મહિલાઓ માટે અને મહિલા દ્વારા ચલાવવામાં આવતી પિંક બસની ડ્રાઇવર બની છે. નિશા શર્માએ જણાવ્યું હતું કે મને બસ ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ છે અને હવે ગુજરાત-સુરતમાં બસ ચલાવવાની તક મને આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *