

વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્લી ATSના નામે ફોન કરી તેમની બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને એક દિવસ સુધી “ડિજિટલ અરેસ્ટ” રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સતત દબાણ અને ભયના કારણે અતુલભાઈ સોમવાર વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી બેસ્યા હતા. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી છુપાયેલી હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનું દાવો કર્યો હતો. ખેડૂતના મોત બાદ સમગ્ર કાયાવરોહણમાં શોકનો માહોલ છે. પરિવારજનોનું કહેવું છે કે ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતકના સંબંધી અંશ પટેલએ કહ્યુ,”દર 5 મિનિટે કોલ કરાતા, ઘરની બહાર નીકળતા નહીં કહી ધમકાવતા અતુલકાકા રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. તે સવારે 10 વાગે અચાનક ઘરે આવી ગયા હતા અને બેંક પાસબુક સહિત લઈને ઘરના ઉપરના પહેલાં માળે જતા રહ્યા હતા. મેં નીચેથી સાંભળ્યું હતું. તે વાત કરતા હતા કે, ખાતામાં 40 કરોડનો ફ્રોડ થયો છે, કાર્યવાહી કરાશે. જોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે, ‘દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે’. તે ખૂબ ગભાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો”. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ અરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે, એટલે કે એક દિવસમાં 200 કેસ. ત્રણ વર્ષ દરમિયાન લોકોએ 2575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના સાઇબર ફ્રોડમાં લોકોએ 2746 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.