AMC કોમર્શિયલ-રેસિડેન્શિયલ પ્લોટ વેચી 1823 કરોડની કમાણી કરશે

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં સાયન્સ સિટી, ભાડજ, હેબતપૂર, ગોતા, મોટેરા, થલતેજ, બોડકદેવ અને સરખેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 15 પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો છે. આ પ્લોટના વેચાણથી રૂ. 1823 કરોડ જેટલી આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થાય તેવી શક્યતા છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્લોટના વેચાણ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે છ જેટલા પ્લોટમાં હજી સુધી સંપૂર્ણપણે પઝેશન મળ્યું નથી. જેના માટેની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જે કોમર્શિયલ અને રેસીડેન્સિયલ હેતુ બંને માટે હોય છે તેના વેચાણથી કરોડો રૂપિયાની આવક ઊભી થઈ શકે તેમ છે જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા 15 જેટલા પ્લોટોને વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસ્પોઝલ ઓફ લેન્ડ અધર પ્રોપર્ટી અંતર્ગત આવનાર રચિત કમિટી દ્વારા કડિયાની કિંમતો નક્કી કરવામાં આવી છે અને જે મુજબ ભાવ નક્કી કરીને પ્લોટને જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવશે.
સૌથી મોટા ક્ષેત્રફળ ધરાવતા અને મોંઘા પ્લોટમાં શહેરના સાયન્સ સિટી રોડ પર કોમર્શિયલ હેતુનો સોલા-થલતેજ TP 42 FP 273નો રૂ. 345 કરોડ અને રેસિડેન્સિયલ હેતુનો સોલા-થલતેજ TP 42 FP 258નો રૂ. 306 કરોડનો ભાવ મૂકવામાં આવ્યો છે. સોલા ભાડજ હેબતપુર TP 40 FP 38નો પ્લોટ પણ રૂ. 142 કરોડના જ્યારે ગોતા વિસ્તારમાં પણ રૂ. 140 કરોડનો ભાવનો પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. જેમાં મોટેરા વિસ્તારનો એક પ્લોટ પાર્કિંગ ઝોન અને ફેરિયાઓને ફાળવવામાં આવેલો છે. ગોતા વિસ્તારના પ્લોટમાં 81 ચોરસ મીટરનું પજેસન નથી અને ગાર્ડનની દિવાલનું દબાણ પણ છે. સોલા-ભાડજ-હેબતપુર ટીપીના પ્લોટમાં સુપર રેસિડેન્સી નામની કમ્પાઉન્ડ દિવાલનું પણ દબાણ છે. કુલ 6 જેટલા પ્લોટમાં સંપૂર્ણ પજેશન મળ્યું નથી.
અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1800 કરોડથી વધુની આવક ઊભી કરવામાં આવનાર છે. આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારના જ બીજા 10થી વધુ પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી કંપનીઓ કે બિલ્ડરો રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 27 અને 28 નવેમ્બરના રોજ ઓનલાઈન ઇ ઓકશન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *