
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સુવર્ણ શિલ્પી જ્વેલર્સ પ્રા.લી.ની ફેક્ટરીમાં કામ કરતા કારીગરોએ હાથ સાફ કર્યો છે. ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કારીગરો 1.45 કરોડ રૂપિયાનો 22 કેરેટ સોનુ લઈને ફરાર થઈ ગયા હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ત્રણેય બાપ-દીકરાઓને દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનુ આપવામાં આવ્યું હતું. ત્રણેય બાપ-દીકરાઓએ સોનાના વજનમાં ઘટ કરી છેતરપિંડી આચરી છે. જેથી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નવરંગપુરામાં સુવર્ણ શિલ્પ જ્વેલર્સ લી. કંપની ચલાવી સોનાના દાગીના બનાવી વેચવાનો ધંધો કરે છે, જેની સ્વસ્તિક ચાર રસ્તા પાસે સ્મૃતિ કુંજ ત્રણમાં દાગીના બનાવવાની ફેક્ટરી આવેલી છે. જ્યાં દાગીના બનાવવા માટે કારીગરો રાખવામાં આવ્યાં છે. દાગીના બનાવવા માટે 24 કેરેટ ફાઈન ગોલ્ડને 22 કેરેટના બનાવી તે કારીગરોને આપવામાં આવે છે. જે બાદ કારીગરો દ્વારા 22 કેરેટ ગોલ્ડમાંથી દાગીના બનાવી પરત આપવામાં આવે છે. દાગીના જે વજનના બને તે વજન પછી બાકી રહેતું ગોલ્ડ કારીગરો ફેક્ટરીમાં રાખતા હોય છે, જે ગોલ્ડનો હિસાબ પણ કરવામાં આવતો હોય છે. તેમજ કારીગરોને જ્યારે પણ દાગીના બનાવવા ગોલ્ડ આપવામાં આવે, ત્યારે તેની એન્ટ્રી લેઝરમાં કરવામાં આવતી હોય છે અને ગોલ્ડમાંથી દાગીના બનાવી પરત કરવામાં આવે તે પણ તેમાં દર્શાવી કારીગરોની રિસિવ વાઉચર પર સહી કરાવવામાં આવતી હોય છે.
જેથી દાગીના બનાવવા માટે શાહનવાઝ મંડળ, મેહરાજ મંડળ અને સરફરાજ મંડળ નામના ત્રણેય બાપ-દીકરાઓને કામ માટે રાખવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં 537.780 ગ્રામ 22 કેરેટ ગોલ્ડ દાગીના બનાવવા માટે શાહ નવાજ મંડળને આપ્યું હતું. જેમાંથી તેને 423.020 ગ્રામ સોનાના દાગીના બનાવી પરત આપ્યું અને બાકી રહેલી ગોલ્ડ પછીથી બીજા દાગીના બનાવીને પરત કરવાનો હતો. ત્યારબાદ શાહનવાઝ મંડળ અચાનક કોઈને જાણ કર્યા વગર કેટલાક દિવસથી કામ પર આવવાનું બંધ કરી દે છે. જે બાદ ફોન પણ ઉપાડવાનો બંધ કરી દે છે. જે બાદ તેના બે દીકરીએ પૂછતા માતાની તબિયત ખરાબ હોવાથી પશ્ચિમ બંગાળ ગયેલા હોવાનું જણાવ્યું હતું. જે બાદ પરત ન આવતા શંકાના આધારે ફેક્ટરીમાં તેમની ભેટી ચેક કરતા દાગીના બનાવવા માટે આપેલ 111.760 ગ્રામ સોનુ મળી આવતું નહોતું. જે બાદ શંકાના આધારે બંને પુત્રોને આપેલા દાગીનાની પણ ચકાસણી કરવામાં આવી હતી. મહેરાજ મંડળ નામના કારીગરે 765.790 ગ્રામ ગોલ્ડ પરત ના આપ્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ સરફરાજ મંડળ નામના કારીગરે 748.570 ગ્રામ ગોલ્ડ અત્યાર સુધી પરત ના કર્યું હોવાનું ખુલ્યું હતું. ત્રણેય બાપ-દીકરાએ દાગીના બનાવવા આપેલા સોનાના વજનમાં 1626.120 ગ્રામ ગોલ્ડની ઘટ કરી 1.45 કરોડની છેતરપિંડી યાત્રી હોવાનું સામે આવ્યું હતું. જેથી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય બાપ-દીકરાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નવરંગપુરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.