શહેરમાં મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સતત 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ 46 લાખ રૂપિયા જેટલી માતબર રકમની પોતાની જીવનભરની કમાણી ગુમાવે, તે પહેલા જ અસલી પોલીસ પહોંચી ગઈ હતી અને તેમનું રેસ્ક્યુ કર્યું હતુ.
આ અંગે વિગતો આપતા ભોગ બનનાર સુરત મનપાના એક્ઝિક્યુટીવ એન્જિનિયર અમિતકુમારે જણાવ્યું કે, બે દિવસ પહેલા બપોરે 3 વાગ્યાની આસપાસ મારા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
જેમાં સામેની વ્યક્તિએ કહ્યું કે, તમારા આધાર કાર્ડની ઝેરોક્ષ પર મુંબઈમાં કોઈએ સિમ કાર્ડ લીધુ છે. જે કાર્ડ થકી મુંબઈના લોકોને પોર્ન મેસેજ મોકલીને હેરેસ કરવામાં આવ્યા છે. આ મામલે મુંબઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે બાદ તેમણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે વાતચીત કરાવી હતી. આ લોકોએ ક્લીયરન્સ માટે હેડ ક્વાર્ટર પર ફોન કરીને તપાસ કરતાં મની લોન્ડરિંગ કેસમાં પણ મારી સંડોવણી હોવાનું જણાવી ઈન્ક્વાયરી કરવાનું કહી મારો કોલ CBIમાં ટ્રાન્સફર કર્યો હતો. જે બાદ મને વોટ્સએપ નંબર મોકલી વીડિયો કોલ કરવા જણાવ્યું હતુ.
વૉટ્સએપ થકી CBIમાં કોલ કરાવી મારી પાસેથી તમામ વિગતો મેળવી લેવામાં આવી હતી. નરેશ ગોયલના કેસમાં મારા નામના ATM દ્વારા 2 કરોડનું ટ્રાન્જેક્શન થયું હોવાની સ્ટોરી ઉભી કરી દીધી હતી. બીજા દિવસે EDએ મારી ધરપકડનું વોરંટ ઈસ્યુ કરીને મને તમામ ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા. આ સાથે જ ધરપકડથી બચવા માટે કોર્ટ સમક્ષ વીડિયો કોલથી હાજર રહેવાનું જણાવ્યું હતુ.
જે બાદ જજ સમક્ષ મારું હિયરિંગ કરાવ્યું હતુ. જેમાં જજ ઉપરાંત બે વકીલ, CBIનો સ્ટાફ તેમજ કેનેરા બેંકનો મેનેજર હાજર હતા. હિયરિંગ બાદ સહકાર આપવાનું કહી ફાઈનાન્સની તમામ વિગતો માંગવામાં આવી હતી. બીજા દિવસે તમામ ડોક્યુમેન્ટ લીધા બાદ મારી પાસે રહેલી શેર અને મ્યુચ્યુઅલ ફંડ મળીને 46 લાખની મૂડી થતી હતી, તે બધુ વેચી મારો અને જે પૈસા આવે તે અમે જે બેંક ખાતા નંબર મોકલીએ તેમાં RTGSથી ટ્રાન્સફ કરી દો તેમ કહ્યું હતુ.
વધુમાં અમિતકુમારે જણાવ્યું કે, આખરે મેં મારા ભાઈને કોલ કરતાં તેણે સાયબર સેલમાં ફોન કર્યો હતો. જેથી પોલીસની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી. આ સમયે મારો વીડિયો કોલ ચાલુ જ હતો. આથી પોલીસે ફોન લઈને સામેની વ્યક્તિને પોતાનો ચહેરો બતાવવા કહેતા તે રકઝક કરવા લાગ્યો અને આખરે ફોન કાપી નાંખ્યો હતો. આ મામલે અમે સાયબર સેલની ઓફિસે આવીને ડીટેઇલ આપી હતી અને હાલ આ કેસની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.
આ અંગે સાયબર સેલના DCP બિશાખા જૈને જણાવ્યું કે, હું તમામ નાગરિકોને સુરત શહેર પોલીસ વતી અપીલ કરું છું કે, ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા એજન્સી કરતી નથી. અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફીજિકલ અરેસ્ટ જ હોય છે અને આવો કોઈ કોલ આવે અને કહે કે, તમે ડિજિટલ અરેસ્ટ થઇ ગયા છો તો તાત્કાલિક તમે નજીકના પોલીસ મથકમાં જાણ કરો. આવા લોકોને તમારી કોઈ પણ પર્સનલ માહિતી આપવી નહી અને તાત્કાલિક પોલીસને જાણ કરવી. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને ક્રિમિનલ સુધી પહોચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ કેસમાં 46 લાખ રૂપિયા ટ્રાન્સફર કરે એ પહેલા જ તેઓને બચાવી લેવામાં આવ્યા છે.