
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આજે સવારે એક કરુણ ઘટના બની હતી, જેમાં ઘરના પાર્કિંગમાં આવેલા પાણીના ટાંકામાંથી એક મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. સવારે માતા ઘરમાં ન દેખાતા પુત્રએ શોધખોળ શરૂ કરી હતી, ત્યારે જ તેમને પાણીના ટાંકામાં ઊંધા પડેલા જોયા હતા. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરથાણાની 8, નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા 49 વર્ષીય રેખાબેન દામજીભાઈ કથીરિયા આજે સવારે ઘરના પાર્કિંગમાં આવેલા પાણીના ટાંકામાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મહિલાના ભત્રીજા રવિ પટેલના જણાવ્યા અનુસાર, રેખાબેન તેમના પુત્ર ચિરાગ અને પતિ સાથે રહેતા હતા. તેમના પતિ ગોળની ફેક્ટરી ધરાવે છે અને રાત્રે ફેક્ટરી પર હતા. રાત્રે રેખાબેન અને તેમનો પુત્ર ચિરાગ ઘરે હતા. ચિરાગ રાત્રે પોતાના રૂમમાં સૂતો હતો, જ્યારે રેખાબેન પણ ઘરમાં સુતા હતા. જોકે, આજે સવારે ચિરાગ ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે માતા ઘરમાં ન દેખાતા તે તેમને શોધવા લાગ્યો હતો. ત્યારે તેમને ઘરના પૉકિંગમાં આવેલા પાણીના ટાંકામાં ઊંધા પડેલા જોયા હતા. તાત્કાલિક તેમને ટાંકામાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે, રેખાબેન ટાંકામાં કઈ રીતે પડ્યા તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.આ બનાવની તપાસ કરી રહેલા સરથાણા પોલીસ સ્ટેશનના એએસઆઈ કાજલબેનએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રેખાબેન સવારે ડોલ લઈને પાણી ભરવા ગયા હતા ત્યારે પગ લપસી જવાથી તેઓ ટાંકામાં પડી ગયા હતા. જોકે, આ એક અકસ્માત હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગેની સાચી હકીકત સ્થળ પરની અને અન્ય તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.