હરિયાણાના જીંદ જિલ્લાના જુલાના શહેરના જૂના બજારમાં આવેલ ‘ધી જીંદ સેન્ટ્રલ કૉ-ઑપરેટિવ બેંક’ના મેનેજરે સિક્યુરિટી ગાર્ડને સમયસર આવવા બાબત ઠપકો આપવો ભારે પડ્યો છે. જેમાં ઉશ્કેરાયેલા ગાર્ડે મેનેજરના લમમે બંદૂક તાકી દીધી હતી. આ સાથે જ છૂટાહાથની મારામારી પણ કરી હતી.
પોતાની ફરિયાદમાં બેંક મેનેજરે જણાવ્યું કે, તે જુલાના સ્થિત ધી ‘જીંદ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બેંક’માં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જ્યાં ગતૌલી ગામમાં રહેતો પરમેન્દ્ર કોન્ટ્રાક્ટ પર બેંક ગાર્ડ તરીકે તહેનાત છે.
હું રજા બાદ 19 નવેમ્બરે જ ફરજ પર પરત ફર્યો હતો. મારે તમામ કર્મચારીઓની હાજરી ઉપર મોકલવી પડે છે. આથી મેં CCTV ફૂટેજ ચેક કર્યા, તો તેમાં મને સિક્યુરિટી ગાર્ડ પરમેન્દ્ર દેખાયો નહતો. આથી મેં પરમેન્દ્રને બોલાવીને એટલું જ કહ્યું હતું કે, સવારે પોણા દસથી સાંજે પાંચ વાગ્યા સુધી તારે ડ્યુટી કરવી પડશે. કાલથી સમયસર આવવાનું રાકશે.
મેં તેને ડ્યૂટીનો ટાઈમ પત્રક દેખાડીને કહ્યું કે, તારે આ સમય પ્રમાણેજ ડ્યૂટી કરવી પડશે. મારી વાત સાંભળીને પરમેન્દ્ર એકદમ ઉશ્કેરાઈ ગયો અને મને કહેવા લાગ્યો કે, આ મારો ટાઈમ નથી. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, તો તેણે મને થપ્પડ મારી દીધો. જે બાદ મને ધક્કો મારીને મારા લમણે બંદૂક મૂકી દીધી.
આ સમયે બેંકમાં ફરજ બજાવતા અન્ય સ્ટાફ તેમજ કસ્ટમરે મને પરમેન્દ્રની ચુંગાલમાંથી બચાવ્યો. જો તેઓ વચ્ચે ના પડ્યા હોત, તો પરમેન્દ્રએ મને ગોળી ધરબી દીધી હોત. હાલ તો પોલીસે બેંકના મેનેજરની ફરિયાદના આધારે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.