2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાય તેવી પ્રબળ શક્યતા, આવતીકાલે ગ્લાસગોમાં ડિટેઇલ્ડ પ્રેઝન્ટેશન, ઉજવણી તૈયારીઓ શરૂ

Spread the love

 

અમદાવાદ શહેર 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે મક્કમ નિર્ધાર સાથે કવાયત હાથ ધરી રહ્યું છે. આ માટે આગામી 24 થી 27 નવેમ્બર દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની સજ્જતા દર્શાવતું એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

AMC કમિશનર બંછાનિધિ પાની આ મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન માટે ગ્લાસગો જવા રવાના થયા છે, જ્યાં વિશ્વના સભ્ય દેશો દ્વારા ગેમ્સ પ્રપોઝલ માટે મતદાન કરવામાં આવશે.

વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં શહેરની ક્ષમતા રજૂ કરાશે

ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે યોજાનારી આ જનરલ એસેમ્બલીમાં, AMC દ્વારા શહેરની રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યની યોજનાઓનું એક ડિટેઇલ્ડ પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ પ્રેઝન્ટેશનમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોતા અને નિકોલમાં વિકસાવવામાં આવેલ મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રમતગમતને પ્રોત્સાહન આપવા માટેના ભવિષ્યના આયોજનો, AMTS, BRTS, મેટ્રો જેવી અદ્યતન પરિવહન સેવાઓ તેમજ શહેરના સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ કાર્યોની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવશે. અમદાવાદ શહેર વૈશ્વિક કક્ષાના આવા મોટા આયોજન માટે કેટલું સક્ષમ છે, તે દર્શાવવાનો આ કવાયતનો મુખ્ય હેતુ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીનો સંદેશ, કોમનવેલ્થ માટે અમદાવાદ તૈયાર છે

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે તે માટે કેન્દ્રીય સ્તરેથી પણ સમર્થન મળી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી અને સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે: ‘કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ.’ આ સંદેશ શહેરના આત્મવિશ્વાસને વધુ બળ પૂરું પાડી રહ્યો છે અને આશાવાદ જગાવી રહ્યો છે કે અમદાવાદને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની ચોક્કસ મળશે.

યજમાની મળવાની લગભગ નિશ્ચિતતા, ઉજવણીનું આયોજન

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-2030 યોજાશે તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. કોમનવેલ્થ-2030ની યજમાની કરવાની તક મળશે તો તેની ભવ્ય ઉજવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. શહેરને યજમાની મળશે તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવશે.

પ્રેઝન્ટેશન અને મતદાન બાદ, અમદાવાદ શહેરને કોમનવેલ્થ ગેમ્સ-2030ના યજમાન શહેર તરીકે પુષ્ટિ આપતો ‘હોસ્ટ કોલાબ્રેશન એગ્રીમેન્ટ’ (Host Collaboration Agreement) પર હસ્તાક્ષર થવાની પણ પ્રબળ સંભાવના છે. આ ઘટના અમદાવાદને વૈશ્વિક રમતગમત નકશા પર એક મહત્વપૂર્ણ સ્થાન અપાવશે અને શહેરના વિકાસને નવી ગતિ પ્રદાન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *