ભારત સરકારે દેશભરના લગભગ 40 કરોડથી વધુ કર્મચારીઓને મોટી રાહત આપતાં ગત શુક્રવારે શ્રમ કાયદાઓમાં મોટો ફેરફાર કર્યો. શ્રમ કાયદા હેઠળ આવતા 29 કાયદાઓને હવે ચાર લેબર કોડમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કર્મચારીઓને એક વર્ષની નોકરીમાં ગ્રેચ્યુઇટી, ઓવર ટાઇમ પર બમણો પગાર, મહિલાઓને સમાન વેતન અને હેલ્થ ચેકઅપ જેવી અનેક રાહત આપતા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
નવા લેબર કોડનો વિરોધ શા માટે?
એક અહેવાલ મુજબ, વિરોધ પાછળ ઘણા મજૂર સંગઠનોનું માનવું છે કે આ કોડ શ્રમિકોને બદલે માલિકોની તરફેણમાં છે અને તેનાથી કામદારોનું શોષણ વધશે. ઇન્ટક, એટક, સીઆઇટીયુ અને અન્ય મુખ્ય મજૂર સંગઠનોએ 26 નવેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. તેમની મુખ્ય ચિંતા એ છે કે નવો લેબર કોડ શ્રમિકોની નોકરીની સુરક્ષાને નબળી પાડે છે અને માલિકોને કર્મચારીઓને કોઈ મજબૂત કારણ વિના છૂટા કરવાના વધારે અધિકારો આપે છે. તેઓ કહે છે કે કોડમાં આપવામાં આવેલ ‘ફિક્સ્ડ ટર્મ નોકરી’નું મોડેલ ખરેખર નોકરીની અનિશ્ચિતતાને પ્રોત્સાહન આપશે, કારણ કે તેને સેનાની જેમ મર્યાદિત અવધિવાળી નોકરી સમાન બનાવવામાં આવ્યું છે.
ગોંડલ રાજકુમાર જાટ મોત કેસમાં મોટા અપડેટ: પૂર્વ MLA જયરાજસિંહ, પુત્ર ગણેશને…
કોંગ્રેસે પણ કર્યો હુમલો
વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ આ કોડ પર અનેક સવાલો ઉભા કરીને વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આ ફેરફાર કોઈ ક્રાંતિકારી સુધાર નથી, પરંતુ મજૂરોની મૂળભૂત માંગણીઓથી દૂર છે. તેમણે સવાલો ઉઠાવ્યા કે શું આ કોડ મનરેગામાં 400ની ન્યૂનતમ મજૂરી, ‘રાઇટ ટુ હેલ્થ’ જેવી યોજનાઓ, રોજગાર ગેરંટી, અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે સંપૂર્ણ સોશિયલ સિક્યોરિટી અથવા કોન્ટ્રાક્ટ નોકરીઓ પર રોક સુનિશ્ચિત કરી શકશે? તેમનું કહેવું છે કે સરકારે કર્ણાટક અને રાજસ્થાનના સફળ ગિગ વર્કર રિફોર્મમાંથી શીખવું જોઈએ, જેમણે મજૂરો માટે વધુ સારા કાયદા બનાવ્યા છે.
ભલે’ને ટેરિફ આસમાને જઇને આંબે! છતાંય વધતો રહેશે ભારતનો GDP ગ્રોથ, આંકડા આપે છે ગવાહી
નોકરીની ગેરંટી સમાપ્ત...
જો કે, એવા વિરોધ પણ સામે આવી રહ્યા છે કે આ કોડ દ્વારા શ્રમિકોની હડતાલ કરવાની ક્ષમતા પર પાબંદી મૂકવામાં આવી રહી છે, ખાસ કરીને જ્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે કે તેમના પગારમાં કાપ મૂકવામાં આવે. ઇન્ટકના જનરલ સેક્રેટરી સંજય સિંહ જણાવે છે કે નવા કોડ હેઠળ લાભ ત્યારે જ મળશે જ્યારે કોઈ કર્મચારી નોકરીમાં ટકી રહે. જ્યારે નોકરીની ગેરંટી સમાપ્ત કરી દેવામાં આવી છે, જે મજૂરોને અસુરક્ષિત બનાવે છે. સાથે જ ઠેકેદારોને મજૂરોનું શોષણ કરવાની છૂટ મળવાનો ડર છે. તેમનો આરોપ છે કે રાતની શિફ્ટમાં મહિલાઓ પાસેથી કામ કરાવવા જેવા નિયમો વિરુદ્ધ કોઈ જોગવાઈ નથી.