વડોદરા પોલીસે એક મોટા સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરના એક બંગલામાં કાર્યરત ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડો પાડીને રાવત, સ્નેહ પટેલ અને અંશ પંચાલ સહિત ત્રણ યુવાનોની ધરપકડ કરી છે. આરોપીઓ અમેરિકન નાગરિકોને પ્રીપેડ અથવા સોફ્ટ લોનનું વચન આપીને છેતરપિંડી કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ‘ પ્રોસ્પર ફન્ડિંગ ‘ કંપનીના કર્મચારી હોવાનો દાવો કરતા હતા અને દસ્તાવેજો મોકલીને લોકોને લલચાવતા હતા.
તેઓ અત્યાર સુધીમાં 80થી વધુ વિદેશી નાગરિકો પાસેથી લગભગ 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, રાવત પોતે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે, જ્યારે અંશ પંચાલ પાસે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા છે. સ્નેહ પટેલ અને અંશ બંને અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા અને બ્રિટિશ-અમેરિકન ઉચ્ચારણમાં વાત કરતા હતા, જેના કારણે વિદેશી લોકો તેમની જાળમાં સરળતાથી ફસાઈ જતા હતા. આરોપીઓ અમેરિકન બેંકોમાં લોન અરજદારોને ફોન કરતા હતા અને પ્રીપેડ અથવા સોફ્ટ લોન માટે એડવાન્સ રકમ માગતા હતા. બદલામાંતેઓ લોન મંજૂરીનો દાવો કરતા હતા અને 20% કમિશન પડાવતા હતા. આ ત્રણેય યુવાનો છેલ્લા 2 મહિનાથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા.
પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપીઓએ વિવિધ ટેલિગ્રામ ચેનલો દ્વારા વિદેશી ગ્રાહકો પાસેથી ડેટા ખરીદ્યો હતો. તેઓ પ્રતિ ગ્રાહક 80 રૂપિયાના ભાવે ડેટા ખરીદતા હતા અને દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં કોલ સેન્ટર ઓપરેટરોને પ્રતિ ગ્રાહક 100 રૂપિયાના ભાવે વેચતા હતા. ત્યારબાદ ટીમ આ વ્યક્તિઓને ફોન કરીને ધમકી આપીને અથવા છેતરપિંડી કરીને ડોલરમાં પૈસા પડાવતી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી 6 મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કર્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી એ વાતની તપાસ કરવામાં આવશે કે કુલ કેટલી રકમ કોના ખાતામાં ગઈ છે. પોલીસને અપેક્ષા છે કે જેમ-જેમ તપાસ આગળ વધશે, તેમ-તેમ છેતરપિંડીની રકમ 30 લાખથીવધુ નીકળી શકે છે.