નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દિલ્હીમાં 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એક ફાર્મ હાઉસમાં રેડ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો. ગુપ્ત જાણકારીના આધારે કાર્યવાહી શરૂ કરાઈ જેમાં ત્રણ દિવસ સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું. ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય સિન્થેટિક ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થયો છે. ભારતની અંદર આ ગેંગ વિદેશી ઓપરેટર્સના ઈશારે કામ કરી રહી હતી.
દિલ્હી-NCRમાં શંકાસ્પદ ગતિવિધિઓને ટ્રેક કરવામાં આવી રહી છે.
એક આરોપીની ધરપકડ
રેડ બાદ 25 વર્ષના શેન વારીસ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે મૂળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનો છે. શેન વારીસ નોઇડામાં એક કંપનીમાં સેલ્સ મેનેજરે તરીકે કામ કરી રહ્યો હતો. તે વિદેશમાં બેઠેલા તેના માલિકોના ઈશારે નકલી સીમ કાર્ડ અને વોટ્સએપની મદદથી સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. શેનની પૂછપરછમાં એસ્ટર કિમીની નામની એક મહિલાનું નામ પણ સામે આવ્યું છે.
NCBએ 20 નવેમ્બરે છતરપુર એન્કલેવના એક ઘરમાં દરોડા પાડયા હતા. જ્યાં 328.54 કિલો મેથામ્ફેટામિન મળી આવ્યું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાથી પણ વધુ છે. સમગ્ર ઓપરેશનમાં તપાસ એજન્સીઓની ડ્રગ્સની સાથે સાથે ડ્રગ્સ નેટવર્કના વિદેશી લિન્ક, સપ્લાય રૂટ, લેણદેણની રીત સહિત અનેક પુરાવા મળી આવ્યા છે. જેના આધારે આગામી દિવસોમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે. સમગ્ર મામલે નાગાલેન્ડની એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે.