
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આક્ષેપો અને હોબાળાનું કેન્દ્ર બની છે. 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પરિવારજનો દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો અને મૃતક બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે, તેમના બાળકનું મોત ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે થયું છે. એટલું જ નહીં પરિવારે એક દિવસામાં 4 બાળકોના મોત થયાનો પણ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત વધુ આક્ષેપ કરતા કહ્યું હતું કે, અહીં ડોક્ટરો સમયસર આવતા નથી અને દર્દીઓ કે સગાને વારંવાર ‘ડૉક્ટર હમણાં આવશે’ તેવું કહીને રાહ જોવડાવવામાં આવે છે. તો બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડો. પ્રિયંકા જોગીયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને બંને કેસની તબીબી વિગતો રજૂ કરીને ખુલાસો કર્યો હતો.
પીડિતાના સંબંધી ભાનુબેન સાગઠિયાએ જણાવ્યું હતું કે, અમારા સગાની મહિલાની ડિલિવરી કરાવવા માટે અહીં લાવ્યા હતા. તેમનું સિઝેરિયન કરાવવું પડે તેમ હતું છતાં ડોક્ટર દ્વારા તે કરવામાં આવ્યું નહોતું. અમને વિસાવદરથી અહીં રિફર કરવામાં આવ્યા હતા. આ લોકો ધ્યાન આપતા નથી. ધણી દીકરીઓની તો બાથરૂમ કરતા સમયે હોસ્પિટલમાં ડિલિવરી થઈ જાય છે. જ્યારે તેઓ હોસ્પિટલ સ્ટાફને ફરિયાદ કરે છે ત્યારે તેઓ ખાનગી હોસ્પિટલમાં જતા રહેવા જણાવી દે છે. ડોક્ટર દ્વારા સમયસર સિઝેરિયન ન કરવાના કારણે જ અમારા બાળકનું મોત થયું છે. વળી એક જ દિવસમાં ચાર બાળકોના મોત થયાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા.
ગાયનેક વિભાગના હેડ ડો. પ્રિયંકા જોગીયાએ મૃતક બાળકના પરિવારોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા જણાવ્યું હતું કે, આ કેસમાં મંજુલાબેન રાઠોડને ત્રીજી ડિલિવરી માટે વિસાવદરથી રિફર કરવામાં આવ્યા હતા. જોકે, બાળકના ધબકારા શરૂઆતથી જ ઓછા હતા, તેથી અમે બાળકને તાત્કાલિક બાળક વિભાગ (NICU)માં રિફર કરી દીધું હતું. આમાં ડોક્ટર કે સ્ટાફની કોઈ બેદરકારી નથી. ડોક્ટર પ્રિયંકા જોગીયાએ અન્ય એક દર્દીના કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અન્ય જેતપુરના દર્દીના કિસ્સામાં બાળકનું મોત પેટમાં જ થયું હતું. આવા કેસમાં અમે સામાન્ય રીતે માતાને કોમ્પ્લિકેશન ન થાય તે માટે 24થી 36 કલાક સુધી રાહ જોવાનું સૂચન કરીએ છીએ. આવામાં અમે દર્દીને રાહ જોવા માટે સમજાવીએ છીએ, પરંતુ તેઓ રાહ જોવા તૈયાર નહોતા. જેથી તેઓ ખાનગી દવાખાનામાં જતા રહ્યા હતા. ડોક્ટર પ્રિયંકા જોગીયાએ હોસ્પિટલની વ્યસ્તતા અને કામગીરીનો બચાવ કરતા જણાવ્યું હતું કે, ડોક્ટર કે સ્ટાફની બેદરકારીની વાત ખોટી છે. હોસ્પિટલમાં મહિનાની 500થી વધુ ડિલિવરી થાય છે, જેમાં 300થી વધુ સિઝેરિયન હોય છે. હાલમાં જ 1200 દર્દીઓ ઇનડોર છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ મૃતક બાળકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપની સાથે સમયસર ડોક્ટર હાજર ન રહેતા હોવાની ફરિયાદ અને એક જ દિવસમાં ચાર બાળકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગાયનેક વિભાગના વડા દ્વારા તમામ આક્ષેપોને નકારીને પોતાની તબીબી પ્રક્રિયા અને હોસ્પિટલની વ્યસ્તતાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાએ જૂનાગઢની સરકારી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને પારદર્શિતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે.