ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા 14 સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ

Spread the love

 

ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ‘ઇન્ટ્રો’ આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર કોલેજની બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે રસ્ટિકેટ(સસ્પેન્ડ) કરી સત્તાવાળાઓએ ચુપકીદી સાધી લીધી છે. ગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની નવી ઘટના સામે આવતા કોલેજ વહીવટીતંત્રની જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે UGC રેગિંગને ફોજદારી ગુનો ગણાવતું હોવા છતાં મેડિકલ કોલેજ તંત્ર દ્વારા વારંવાર બનતી આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાને બદલે ‘ભવિષ્ય ન બગડે’ તેવી નરમ નીતિ અપનાવવામાં આવી છે.
પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અભ્યાસ શરૂ થઈ ગયો છે. તેવામાં કોલેજની બોયઝ હોસ્ટેલમાં બીજા અને ત્રીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમને ‘ઇન્ટ્રો’ આપવાની ફરજ પડાઈ હતી. બાદમાં તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કર્યા હતા. જેના પગલે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ સત્તાધિશોએ તપાસ શરૂ કરી હતી. પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. જોકે કોલેજ તંત્ર દ્વારા સત્તાવાર રીતે આ અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગર મેડિકલ કોલેજમાં ગત વર્ષે માર્ચ મહિનામાં પણ જુનિયર વિદ્યાર્થીને સિનિયરોએ પટ્ટેથી માર મારીને ઉઠક-બેઠક કરાવવાની ઘટના બની હતી. તે સમયે કોલેજ તંત્રએ દાખલારૂપ પગલાં લેવાને બદલે માત્ર માફીપત્ર લખાવીને મામલો દબાવી દીધો હતો. જો કોલેજ દ્વારા અગાઉના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આજના 14 વિદ્યાર્થીઓ રેગિંગ કરતા પહેલા બે વખત વિચાર કરતા હોત. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે છાત્રના મૃત્યુની ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.જે બાદ તમામ મેડિકલ કોલેજોમાં યુજીસીની એન્ટિ-રેગિંગ માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની સૂચના અપાઈ હતી. જોકે ગાંધીનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ શરૂ થઈ ગયો હોવા છતાં હજી એન્ટી રેગિંગ કમિટીની બેઠક જ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *