ડેવલપર ફ્લેટધારકને પાર્કિંગ ન આપે ત્યાં સુધી દરરોજની ૧૦૦૦ રૂપિયા પેનલ્ટી

ફ્લેટ ખરીદનારને કરાર મુજબ પાર્કિંગ ન મળ્યું હોય તો જ્યાં સુધી ડેવલપર પાર્કિંગ ન આપે ત્યાં સુધી ડેવલપર તરફથી દરરોજ ૧૦૦૦ રૂપિયા ફ્લેટધારકને મળશે. ત્રણ ફ્લેટધારકોની ફરિયાદનો ઉકેલ આપતાં મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MahaRERA)એ ડેવલપરને આ પેનલ્ટી ફટકારી હતી. એક હાઉસિંગ સોસાયટીમાં બનાવવામાં આવેલી પાંચ વિગમાંથી ત્રણ વિગમાં ડેવલપરે પાર્કિંગ આપ્યું હતું, જ્યારે અન્ય બે વિગના રહેવાસીઓને પઝલ પાર્કિંગ આપવાનો વાયદો કરવા છતાં પાર્કિંગ આપ્યું નહોતું. જુલાઈ મહિનામાં રહેવાસીઓએ MahaRERAમાં આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારે MahaRERA દ્વારા ડેવલપરને ૬૦ દિવસમાં પાર્કિંગ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ડેવલપર નિશ્ચિત મુદતમાં પાર્કિંગ આપવામાં નિષ્ફળ રહ્યો હતો એટલે MahaRERAએ હવે જયાં સુધી ફ્લેટધારકોને પાર્કિંગ ન અપાય ત્યાં સુધી દરેક ફ્લેટ માટે પેનલ્ટીરૂપે ૧૦૦૦ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.