Voter ID Scam Alert: “તમારો OTP આપો નહીંતર વોટર લિસ્ટમાંથી નામ કમી થઈ જશે”, SIR ફોર્મના નામે ચાલતા નવા કૌભાંડથી સાવધાન

Spread the love

 

ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા માટે ‘ખાસ સઘન સુધારણા’ (SIR – Special Intensive Revision) કાર્યક્રમનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જોકે, આ સરકારી પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવીને સાયબર અપરાધીઓ લોકોને નિશાન બનાવી રહ્યા છે. ઠગબાજો લોકોને ફોન કરીને ધમકાવે છે કે જો તેઓ તાત્કાલિક વિગતો અપડેટ નહીં કરે અથવા OTP નહીં આપે, તો તેમનું નામ મતદાર યાદીમાંથી રદ કરી દેવામાં આવશે.

આ પ્રકારની છેતરપિંડીના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ સરકારના ગૃહ વિભાગ સહિતની એજન્સીઓએ લોકોને સાવચેત રહેવા માટે એડવાઈઝરી જારી કરી છે.

SIR ના નામે છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

સાયબર ગુનેગારોએ લોકોને લૂંટવા માટે એક નવી તરકીબ શોધી કાઢી છે. તેઓ તમારી પાસે ચૂંટણી અધિકારી તરીકે ઓળખ આપીને સંપર્ક કરે છે. તેમની કામ કરવાની પદ્ધતિ (Modus Operandi) નીચે મુજબ છે:

ડર બતાવવો: સૌ પ્રથમ, તેઓ ફોન કરીને કહે છે કે, “તમારું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થવાની તૈયારીમાં છે.” આ સાંભળીને સામાન્ય નાગરિક ગભરાઈ જાય છે.

ફેક લિંક/APK: ત્યારબાદ, નામ ચાલુ રાખવા માટે તેઓ વોટ્સએપ અથવા મેસેજ દ્વારા એક લિંક અથવા APK (એપ્લિકેશન) ફાઈલ મોકલે છે અને તેને ડાઉનલોડ કરીને ફોર્મ ભરવાનું કહે છે.

ડેટા ચોરી: જેવી તમે લિંક પર ક્લિક કરો છો અથવા એપ ઈન્સ્ટોલ કરો છો, ગઠિયાઓ તમારા મોબાઈલનો કંટ્રોલ મેળવી લે છે. ત્યારબાદ OTP મેળવીને તમારા બેંક ખાતા ખાલી કરી દે છે અથવા ડેટાની ચોરી કરે છે.

શું છે ‘SIR’ પ્રક્રિયા?

SIR એટલે કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’. આ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી એક મહત્વપૂર્ણ કવાયત છે. છેલ્લે 21 વર્ષ પહેલાં એટલે કે 2002 થી 2004 દરમિયાન આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે ફરીથી તેનો બીજો તબક્કો 4 November થી 4 December સુધી ચાલી રહ્યો છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય છે:

18 વર્ષથી વધુ વયના નવા મતદારોને યાદીમાં ઉમેરવા.

મૃત્યુ પામેલા અથવા સ્થળાંતર થયેલા મતદારોના નામ યાદીમાંથી કમી કરવા.

નામ, સરનામા કે ફોટામાં રહેલી ભૂલો સુધારવી. આ પ્રક્રિયાની આખરી મતદાર યાદી 7 February, 2026 ના રોજ પ્રસિદ્ધ થશે.

કયા રાજ્યોમાં ચાલી રહી છે કામગીરી?

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, SIR નો આ તબક્કો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, ગોવા, છત્તીસગઢ, આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરી સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહ્યો છે. આગામી 2026, 2027 અને 2028 માં આવનારી વિવિધ વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે.

છેતરપિંડીથી બચવા શું ધ્યાન રાખવું?

સરકાર અને સાયબર સેલ દ્વારા નાગરિકોને નીચે મુજબની સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે:

BLO નો સંપર્ક: સાચી પ્રક્રિયા માટે તમારા વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) ઘરે આવે છે. ફોન પર કોઈ અજાણી વ્યક્તિને માહિતી ન આપો.

લિંક પર ક્લિક ન કરો: SMS કે વોટ્સએપ પર આવતી કોઈપણ અજાણી લિંક દ્વારા મતદાર યાદી અપડેટ કરવાનો પ્રયાસ ન કરો.

સત્તાવાર માધ્યમ: હંમેશા ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઈટ અથવા ‘Voter Helpline App’ નો જ ઉપયોગ કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *