
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે સિંગર ઝુબીન ગર્ગનું મોત કોઈ દુર્ઘટના નહોતી, પરંતુ હત્યા હતી. બિન ઇરાદાપૂર્વક હત્યા કે ષડયંત્ર નહીં, પરંતુ સ્પષ્ટપણે મર્ડર હતું. CMએ દાવો કર્યો છે કે એક આરોપીએ સિંગરનો જીવ લીધો. ત્યાં જ અન્ય લોકોએ હત્યામાં તેની મદદ કરી. આસામ વિધાનસભામાં વિરોધપક્ષો ઝુબીનના મૃત્યુ પર ચર્ચા કરવા માટે સ્થગન પ્રસ્તાવ લાવ્યા હતા, જેના પર મુખ્યમંત્રી સરમાએ આજે વિધાનસભામાં શિયાળુ સત્રના પહેલા દિવસે જવાબ આપ્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્ટેટ પોલીસની CID હેઠળ રચાયેલી SITએ અત્યારસુધી આ મામલે સાત લોકોની ધરપકડ કરી છે, 252 સાક્ષીની પૂછપરછ કરી છે અને 29 વસ્તુ જપ્ત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી 4થી 5 લોકો પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે 52 વર્ષીય સિંગર-મ્યુઝિશિયન ઝુબીનનું 19 સપ્ટેમ્બરે સિંગાપોરમાં દરિયામાં તરતી વખતે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેઓ નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ (NEIF)માં ભાગ લેવા ગયા હતા. તેમના મૃત્યુ વિરુદ્ધ રાજ્યભરમાં 60થી વધુ કેસ નોંધાયા હતા.
ઝુબીનના મૃત્યુ કેસમાં પોલીસે NEIF ઇવેન્ટના આયોજક શ્યામકાનુ મહંત, ઝુબીનના પિતરાઈ ભાઈ અને પોલીસ અધિકારી સંદીપન ગર્ગ, મેનેજર સિદ્ધાર્થ શર્મા, તેમના બેન્ડના બે સભ્યો- શેખર જ્યોતિ ગોસ્વામી અને અમૃતપ્રભા મહંતની અત્યારસુધીમાં ધરપકડ કરી છે. ઝુબીનના અંગત સુરક્ષા અધિકારીઓ- નંદેશ્વર બોરા અને પ્રબીન બૈશ્યની પણ ધરપકડ કરવામાં આવી, જ્યારે પોલીસને તેમના ખાતામાંથી 1.1 કરોડ રૂપિયાથી વધુના મોટા નાણાકીય વ્યવહારોની જાણ થઈ. ધરપકડ કરાયેલા તમામ સાત લોકો હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. ઝુબીનનો જન્મ 18 નવેમ્બર 1972ના રોજ આસામના તિનસુકિયા જિલ્લામાં થયો હતો. તેઓ આસામી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગાયક, સંગીતકાર, ગીતકાર, અભિનેતા અને નિર્દેશક રહ્યા હતા. તેમણે આસામી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષામાં ગીતો ગાયા છે. આ ઉપરાંત સિંગરે બિષ્ણુપ્રિયા મણિપુરી, આદિ, બોરો, અંગ્રેજી, ગોલપારિયા, કન્નડ, કાર્બી, ખાસી, મલયાલમ, મરાઠી, મિસિંગ, નેપાળી, ઉડિયા, સંસ્કૃત, સિંધી, તમિળ, તેલુગુ, તિવા સહિત 40 ભાષા અને બોલીઓમાં 38 હજારથી વધુ ગીતો ગાયાં. ઝુબીન આસામના સૌથી વધુ કમાણી કરનારા સિંગર હતા. ફેમસ બોલિવૂડ સિંગર ઝુબીન ગર્ગનું 52 વર્ષીય વયે એક અકસ્માતમાં મોત થયું છે. ફિલ્મ ‘ગેંગસ્ટર’ના ગીત ‘યા અલી’ અને ક્રિશ 3’ના ‘દિલ તૂ હી બતા’ માટે જાણીતા સિંગર ઝુબીનનું શુક્રવારે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે મોત થયું. તે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ત્યાં ગયો હતો.