બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ

Spread the love

 

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (70)ને ત્યાંની સુપ્રીમ કોર્ટે તખ્તાપલટના ષડયંત્રના કેસમાં 27 વર્ષની સજા સંભળાવી. મંગળવારે આ નિર્ણય આવ્યો. તેમના પર આરોપ છે કે તેમણે 2022ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર છતાં સત્તામાં ટકી રહેવા માટે વર્તમાન રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાની સરકાર પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. સુનાવણી દરમિયાન બોલ્સોનારોની કાનૂની ટીમે કોર્ટના નિર્ણય વિરુદ્ધ અંતિમ અપીલ કરી ન હતી, જેના પછી જસ્ટિસ એલેક્ઝાન્ડ્રે મોરાએસે 27 વર્ષની સજા લાગુ કરવાનો આદેશ આપ્યો. જજે આદેશ આપ્યો કે બોલ્સોનારોને હાલમાં રાજધાની બ્રાઝિલિયામાં ફેડરલ પોલીસ હેડક્વાર્ટરમાં જ રાખવામાં આવશે, જ્યાં તેઓ શનિવારથી ‘ફરાર થવાની આશંકા’ને કારણે પહેલેથી જ પ્રી-અરેસ્ટ છે.
શું છે બળવાખોરીના ષડયંત્રનો મામલો? બ્રાઝિલના સરકારી વકીલોનો આરોપ છે કે બોલ્સોનારોએ ચૂંટણી હાર્યા પછી સત્તા બચાવવા માટે સુપ્રીમ કોર્ટ પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું, રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા અને જજ ડી મોરાયસની હત્યાનું કાવતરું ઘડ્યું, લશ્કરી બળવા દ્વારા ચૂંટણી પરિણામો પલટાવવાનો પ્રયાસ કર્યો
બોલ્સોનારોના વકીલોએ તેમની ખરાબ તબિયતનો હવાલો આપતા હાઉસ અરેસ્ટની માગ કરી હતી, પરંતુ કોર્ટે તમામ અપીલો ફગાવી દીધી. જસ્ટિસ મોરાએસે બોલ્સોનારોના તમામ દાવાઓ ફગાવી દીધા. પૂર્વ રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે ભ્રમના કારણે તેમણે ઘૂંટી પર લગાવેલ મોનિટરિંગ ડિવાઇસ (ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટર)ને વેલ્ડરથી કાપવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અદાલતે કહ્યું કે તેમણે ભાગી જવાના પ્રયાસમાં ડિવાઇસને સોલ્ડરિંગ આયર્નથી બાળવાનો પ્રયાસ કર્યો. અદાલતે જે વીડિયો સાર્વજનિક કર્યો, તેમાં મોનિટર બળેલું અને ક્ષતિગ્રસ્ત દેખાયું. જોકે તે હજુ પણ બોલ્સોનારોના પગમાં બંધાયેલું છે. ફુટેજમાં બોલ્સોનારોએ સ્વીકાર્યું કે તેમણે ડિવાઇસ પર ટૂલનો ઉપયોગ કર્યો હતો.
ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે બોલ્સોનારોને નજરકેદ કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ મોરાયસે કહ્યું હતું કે બોલ્સોનારોએ હાઉસ અરેસ્ટ દરમિયાન પોતાના ત્રણ સાંસદ પુત્રો દ્વારા સાર્વજનિક સંદેશા મોકલ્યા, જે પ્રતિબંધોનું ઉલ્લંઘન છે. બોલ્સોનારોએ રિયો ડી જાનેરોમાં તેમના સમર્થકોની એક રેલીને પોતાના પુત્રના ફોનથી સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું- ગુડ આફ્ટરનૂન કોપાકાબાના, ગુડ આફ્ટરનૂન માય બ્રાઝિલ, આ આપણી આઝાદી માટે છે. કોર્ટે તેને નિયમોની સીધી અવહેલના ગણાવી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને ઘરમાં નજરકેદ રાખવા, ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટર પહેરવા અને તેમના ઘરેથી તમામ મોબાઇલ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
બોલ્સોનારોએ બળવાના ષડયંત્ર સાથે જોડાયેલા કોઈપણ ખોટા કામથી સતત ઇનકાર કર્યો છે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મનાય છે. ટ્રમ્પે કોર્ટના નિર્ણયને વિચ હન્ટ ગણાવ્યો એટલે કે તેમને જાણીજોઈને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા. ટ્રમ્પે કહ્યું કે તેમણે તાજેતરમાં બોલ્સોનારો સાથે વાત કરી અને જલ્દી જ તેમને મળવાની યોજના છે. ટ્રમ્પે બ્રાઝિલથી આયાત થતી વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો હતો. SC જસ્ટિસ મોરાએસનો વિઝા પણ રદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *