બાસ્કેટબોલ પોલ અચાનક તૂટતાં નેશનલ પ્લેયરનું મોત, ખેલાડીએ 2 સેકન્ડમાં જ દમ તોડ્યો, પોલનું વજન આશરે 750 કિલોગ્રામ જણાવવામાં આવ્યું

Spread the love

 

 

રોહતકના લાખનમાજરા બ્લોકમાં બાસ્કેટબોલ રમતી વખતે એક ખેલાડીનું પોલ પડવાથી મૃત્યુ થયું. એેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. એેમાં ખેલાડી બાસ્કેટબોલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો દેખાઈ રહ્યો છે. તે જેવો દોડીને બાસ્કેટબોલ પોલ પર લાગેલા હૂપમાં બોલ નાખવાનો પ્રયાસ કરે છે, એે જ સમયે આખો પોલ તૂટીને તેના ઉપર પડે છે. આ પોલનું વજન આશરે 750 કિલોગ્રામ જણાવવામાં આવ્યું છે. ખેલાડીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જાય છે. હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરો પણ ખેલાડીને મૃત જાહેર કરે છે. આ સૂચના મળતાં પોલીસ ત્યાં પહોંચી અને મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે.
મૃતક ખેલાડીની ઓળખ લાખનમાજરા નિવાસી 16 વર્ષીય હાર્દિક તરીકે થઈ છે. હાર્દિક 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. નાનો ભાઈ 7મા ધોરણમાં ભણે છે. પિતા સંદીપ એફસીઆઈમાં નોકરી કરે છે. આવો જ એક અકસ્માત બહાદુરગઢમાં પણ થયો. અહીંના શહીદ બ્રિગેડિયર હોશિયાર સિંહ સ્ટેડિયમમાં જર્જરિત બાસ્કેટબોલ પોલ પડવાથી ઘાયલ થયેલા 15 વર્ષીય ખેલાડી અમનનું મૃત્યુ થયું. અમન બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તેના પિતા સુરેશ કુમાર ડીઆરડીઓ કાર્યાલયમાં ગ્રુપ-ડી કર્મચારી છે અને પરિવાર લાઇન પારની વત્સ કોલોનીમાં રહે છે. બીજી તરફ, આ અકસ્માતો પછી ઓલિમ્પિક સંઘે નિર્ણય લીધો છે કે હરિયાણામાં આગામી ત્રણ દિવસ કોઈપણ પ્રકારનો ખેલ ઉત્સવ કે આયોજન ન કરવામાં આવે.
હાર્દિકે કાંગડામાં 47મી સબ જુનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધામાં સિલ્વર, હૈદરાબાદમાં યોજાયેલી 49મી સબ જુનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ અને પુડુચેરીમાં યોજાયેલી 39મી યૂથ નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છે. 4 વર્ષ પહેલાં તત્કાલીન રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ એમપી લેડ ફંડમાંથી લાખનમાજરા પંચાયતને 11 લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં પંચાયતી રાજ વિભાગના અધિકારીઓ સ્ટેડિયમની જાળવણી કરાવી શક્યા ન હતા. મેન્ટેનસનું કામ હજુ પણ ટેન્ડરપ્રક્રિયામાં જ અટવાયેલું છે. ત્રણ મહિના પહેલાં લોકો સ્ટેડિયમની જાળવણી અંગે સીએમ નાયબ સૈનીને પણ મળ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત થયો.
રોહતકમાં બનેલી ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ કરી. લાખનમાજરા પોલીસ સ્ટેશનના એસએચઓ સમરજિત સિંહે જણાવ્યું હતું કે બાસ્કેટબોલ પ્રેક્ટિસ દરમિયાન પોલ પડવાથી સગીર ખેલાડી હાર્દિકનું મોત થયું છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને સોંપી દીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી સીસીટીવી ફૂટેજ પણ કબજે લીધા છે. બીએનએસ 194 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, બહાદુરગઢના શહીદ બ્રિગેડિયર હોશિયાર સિંહ સ્ટેડિયમમાં જર્જરિત બાસ્કેટબોલ પોલ પડવાથી ઘાયલ થયેલા 15 વર્ષીય બાસ્કેટબોલ ખેલાડી અમનનું મૃત્યુ થયું. સોમવારે રાત્રે પીજીઆઈ રોહતકમાં સારવાર દરમિયાન અમનનું અવસાન થયું. મંગળવારે સાંજે શોકપૂર્ણ માહોલમાં તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. પરિવારના જણાવ્યા અનુસાર, અમન 10મા ધોરણનો વિદ્યાર્થી હતો અને શ્રીરામા ભારતી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. થોડા દિવસો પહેલાં જ શાળામાં યોજાયેલી રમતગમત સ્પર્ધામાં તેણે મેડલ જીત્યો હતો.
અમનના પિતરાઈ ભાઈ રોહિતના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે લગભગ 3:30 વાગ્યે અમન રોજની જેમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા ગયો હતો. માત્ર 10 મિનિટ પછી જ પરિવારને જાણ થઈ કે બાસ્કેટબોલ સ્ટેન્ડ પડવાથી તે ગંભીર રીતે ઘાયલ થયો છે. પડેલો પોલ અમનના પેટ પર વાગ્યો, જેના કારણે તેને આંતરિક ઈજાઓ થઈ. જણાવવામાં આવ્યું કે બાસ્કેટબોલનો પોલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને અચાનક તૂટીને પડી ગયો. સિવિલ હોસ્પિટલમાંથી અમનને પીજીઆઈ રોહતક રીફર કરવામાં આવ્યો, પરંતુ પરિવારનો આરોપ છે કે ત્યાં સમયસર સારવાર ન મળવાને કારણે તેની હાલત બગડતી ગઈ. રોહિતે જણાવ્યું કે તેમણે ડોકટરોની બેદરકારીનો વિરોધ પણ કર્યો, પરંતુ ઊલટાનું તેમની સામે જ કાર્યવાહી કરવામાં આવી. આખરે સોમવારે રાત્રે અમનનું અવસાન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *