
ચિત્તોડગઢ (મેવાડ)ના કૃષ્ણધામ શ્રી સાંવરિયા શેઠજી મંદિરને દાનમાં મળેલી રકમે બધા રેકોર્ડ તોડી નાખ્યા. મંગળવારે ફક્ત ચાર રાઉન્ડની ગણતરીમાં 36 કરોડ 13 લાખ 60 હજાર રૂપિયા મળ્યા છે. 26 નવેમ્બરે પણ દાનમાં મળેલી રકમની ગણતરી ચાલુ રહેશે. ચેક, મનીઓર્ડર અને ઓનલાઈન દાનની રકમ હજુ ઉમેરવામાં આવી નથી, એટલે કુલ રકમ હજુ વધે એવી અપેક્ષા છે. વર્ષ 2024માં દિવાળી પછી ખોલવામાં આવેલા 2 મહિનાના ભંડારમાંથી 34 કરોડ 91 લાખ 95 હજાર 8 રૂપિયા પ્રાપ્ત થયા હતા. અત્યારસુધી આ રકમને રેકોર્ડબ્રેક દાન માનવામાં આવે છે. મંદિર સમિતિના સભ્યોનું કહેવું છે કે આ વખતે દાનની રકમ 40 કરોડના આંકડાને પણ પાર કરી શકે છે. મંદિર મંડળના સભ્ય પવન તિવારીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે રાજભોગ આરતી પછી ફરીથી ભંડારની ગણતરી શરૂ કરવામાં આવી, જે સાંજ સુધી ચાલી. આ ચોથા રાઉન્ડમાં 8 કરોડ 15 લાખ 80 હજાર રૂપિયાની રકમ નીકળી. આ રાઉન્ડ સૌથી મહત્ત્વનો એટલા માટે રહ્યો, કારણ કે આની સાથે જ આ વર્ષની દાન રાશિએ પાછલાં બધાં વર્ષોના રેકોર્ડને પાછળ છોડી દીધો. ચારેય રાઉન્ડની રકમને જોડતાં કુલ 36 કરોડ 13 લાખ 60 હજાર રૂપિયા થાય છે. આ આંકડો પાછલા વર્ષની 2 મહિનાની કુલ રકમ 34 કરોડ 91 લાખ 95 હજાર 8 રૂપિયા કરતાં વધુ છે.
ભંડાર 19 નવેમ્બરે ખોલવામાં આવ્યો હતો. એ જ દિવસે પહેલા રાઉન્ડની ગણતરી કરવામાં આવી. એમાં 12 કરોડ 35 લાખ રૂપિયા પ્રાપ્ત થયા હતા. 20 નવેમ્બરે અમાસ હોવાને કારણે ગણતરી થઈ શકી નહીં. એ પછી 21 નવેમ્બરે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો. આ રાઉન્ડની ગણતરીમાં 8 કરોડ 54 લાખ રૂપિયા મળ્યા. આ આંકડો પણ પાછલા વર્ષો કરતાં વધુ રહ્યો. 22 અને 23 નવેમ્બરે ભીડ વધુ હોવાને કારણે ગણતરી રોકી દેવામાં આવી હતી. એ પછી 24 નવેમ્બર (સોમવાર)ના રોજ ફરીથી ગણતરી કરવામાં આવી. ત્રીજા રાઉન્ડમાં 7 કરોડ 8 લાખ 80 હજાર રૂપિયા નીકળ્યા. જૂની પરંપરા મુજબ, દિવાળીના એક દિવસ પહેલાં આવતી ચૌદશે દાનપેટીઓ ખોલવામાં આવતી નથી. એ પછીના મહિને અમાસ પહેલાં આવતી ચૌદશ તિથિએ ભંડાર ખોલવામાં આવે છે. દર મહિને ખોલવામાં આવતા ભંડારને આ વખતે બે મહિના પછી ખોલવામાં આવ્યો. 40 વર્ષ સુધી બાગુંડના પ્રાગટ્ય સ્થળે જ એક ચબૂતરા પર ત્રણેય મૂર્તિની પૂજા કરવામાં આવતી રહી. આ પછી ભાદસોડાનાં ગ્રામજનો એક મૂર્તિને પોતાના ગામ લઈ આવ્યા અને એક કેલુપોશ મકાનમાં સ્થાપિત કરી દીધી. ત્યાં એક મૂર્તિ મંડફિયા લાવવામાં આવી હતી. તંવર જણાવે છે કે આ મૂર્તિઓમાંથી એક મૂર્તિના છાતી પર પગનો નિશાન હતો. માન્યતા છે કે આ ભૃગુ ઋષિના પગ છે.
આ મૂર્તિ પર જે ચરણચિહ્ન છે એની પાછળ એક કથા છે. કથા અનુસાર, એકવાર બધા ઋષિઓએ મળીને એક યજ્ઞ કર્યો. આ યજ્ઞનું ફળ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ આમાંથી કોને આપવામાં આવે એવો એક વિચાર કર્યો. નિર્ણય માટે ભૃગુ ઋષિને પસંદ કરવામાં આવ્યા. તેઓ સૌથી પહેલા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા, જે-તે સમયે નિદ્રામાં હતા અને માતા લક્ષ્મી તેમનાં ચરણ દબાવી રહ્યાં હતાં. ભૃગુ ઋષિને લાગ્યું કે ભગવાન વિષ્ણુ તેમને જોઈને પણ સૂવાનો ઢોંગ કરી રહ્યા છે, તેથી તેમણે ક્રોધિત થઈને ભગવાન વિષ્ણુના છાતી પર લાત મારી દીધી. ભગવાન તરત ઊભા થયા અને ઋષિના પગ પકડી લીધા, ક્ષમા માગતા બોલ્યા– મારું શરીર કઠોર છે, ક્યાંક તમારાં કોમળ ચરણોને ઈજા તો નથી થઈ? ભગવાનની આ નમ્રતા અને સહનશીલતા જોઈને ભૃગુ ઋષિએ તેમને ત્રિદેવોમાં શ્રેષ્ઠ માન્યા અને યજ્ઞનું ફળ તેમને જ સમર્પિત કર્યું. તંવર જણાવે છે, આ અનોખી મૂર્તિના ચરણચિહ્નનાં દર્શન કરવા પણ અનોખાં છે. તેનાં દર્શન ફક્ત ભક્તોને 10 મિનિટ માટે થાય છે. એના માટે સવારે 4.50 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. આ પછી આ ચરણચિહ્નોને ભગવાનનાં વસ્ત્રોથી ઢાંકી દેવામાં આવે છે. આ વિશેષતા દેશ-દુનિયાભરમાં અન્ય કોઈ મૂર્તિમાં જોવા મળતી નથી, જેના કારણે આ મૂર્તિ વધુ વિશેષ બની જાય છે. લગ્નની પહેલી કંકોત્રી પણ પહેલા ઠાકુરજીને અર્પણ કરવામાં આવે છે. લોકો માને છે કે તેમના આશીર્વાદ લીધા પછી જ કોઈપણ કાર્ય સફળ થાય છે. આ મોટી મૂર્તિમાં જ ઠાકુરજીનાં ચરણોનાં દર્શન શક્ય છે. અન્ય 2 મૂર્તિમાં આ સુવિધા નથી.
તંવર જણાવે છે, આ મંદિરનું વર્તમાન માળખું લગભગ 3000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિર પહેલાં ગામના એક નળિયાવાળા મકાનમાં હતું, જેનો પાછળથી ભીંડર રિયાસતના રાજા મદન સિંહ ભીંડરે જીર્ણોદ્ધાર કરાવ્યો. એની પાછળ પણ એક રસપ્રદ કથા છે. રાજા મદન સિંહ એકવાર બેટ દ્વારકામાં હોડીયાત્રા કરી રહ્યા હતા. યાત્રા દરમિયાન હોડી સમુદ્રની વચ્ચે ફસાઈ ગઈ. હોડીમાં હાજર લોકોએ પૂરા ભગતની જયનો ઉદ્ઘોષ કર્યો, જેનાથી હોડી ડૂબવાથી બચી ગઈ. આ ચમત્કાર પાછળનું રહસ્ય જાણવા પર રાજાને ખબર પડી કે પૂરા ભગત ભાદસોડા ગામના નિવાસી છે. આ પછી રાજાએ પૂરા ભગત સાથે મુલાકાત કરી અને તેમની ઈચ્છા અનુસાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.