
અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. શહેરના પાલડી વિસ્તારમાં અને એડવોકેટનો વ્યવસાય કરનાર દુષ્યંતસિંહ રાઠોડ 18 નવેમ્બરના રોજ તેમના પરિવાર સાથે સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ રોટલીનો ઓર્ડર રિપીટ કરતાં ત્યાંના વેઇટર રોટલી વાંસની બાસ્કેટમાં લઇને લાવ્યા હતા. બાસ્કેટને રોટલી સાથે ટેબલ પર મૂકતાં વાંસની બાસ્કેટમાં ભરાઈ રહેલાં બહુબધાં જીવડાં એમાંથી બહાર નીકળ્યાં હતાં અને તેમના જમવાના ટેબલ પર ફરવા લાગ્યાં હતાં.
દુષ્યંતસિંહે જણાવ્યું હતું કે મેં રેસ્ટોરન્ટના મેનેજરને બોલાવી રજૂઆત કરી હતી અને આવી નામચીન મોટી અને મોંઘી રેસ્ટોરન્ટમાં આટલી મોટી ગંભીર બેદરકારી કરી રેસ્ટોરન્ટ દ્વારા લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ગંભીર બેદરકારી દાખવતા હોવાની રજૂઆત કરી હતી. મેનેજર દ્વારા બીજું ભાણું મગાવી દઉં છું એવું જણાવ્યું હતું. બાદમાં ત્યાં મેનેજર પાસે બિલ માગ્યું તો બિલ પણ આપ્યું નહીં. એ બાદ તેમના કોઈ ઉપરી અધિકારીનો ફોન આવ્યો હતો. બે દિવસ બાદ તમને આવીને મળીશ એવી વાત કરી હતી, પરંતુ કોઈ ફોન આવ્યો નહીં અને તેમને પણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટમાં આવેલા રસોડામાં તપાસ કરવા માટે હું જતો રહ્યો હતો, પરંતુ તરત જ તેમનો સ્ટાફ આવી બહાર નીકળો, આપણે બહાર વાત કરીએ, એમ કહીને રસોડાની પણ તપાસ કરવા દેવામાં ન આવી. MOCHA રેસ્ટોરન્ટ ખૂબ જ મોંઘી રેસ્ટોરન્ટ છે, જ્યાં જમવાનું મોંઘું મળે છે છતાં પણ ત્યાં સફાઈની ગુણવત્તા જળવાઈ નહોતી, જે બાબતે તેમના ઉપરી અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી હતી, પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે મામલે ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ફરિયાદ મળતાં તેમણે સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. રસોડા અને હોટલ વગેરે જગ્યાએ તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને રૂપિયા 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મોંઘી અને સૌથી સારી ગણાતી રેસ્ટોરન્ટમાં આવી સ્વચ્છતાનો અભાવ જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે.