
અમદાવાદના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધા ધમધમી રહ્યા હોવાનું સામે આવતા, પોલીસે છેલ્લા બે દિવસમાં બોપલ આંબલી રોડ, એલિસ બ્રિજ અને આનંદનગર સહિતના વિસ્તારોમાં આવેલા ત્રણ અલગ-અલગ સ્પા પર દરોડા પાડીને કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણેય કેસમાં મેનેજર અને ફરાર માલિકો વિરુદ્ધ ‘ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ’ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના પોશ વિસ્તાર સ્પાની આડમાં કુટણખાના ચાલી રહ્યા છે ત્યારે 2 દિવસમાં પોલીસે 3 અલગ અલગ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર રેડ કરી હતી. આનંદનગરના હરણ સર્કલ નજીક આવેલા દેવ ઓરમ કોમ્પલેક્ષમાં ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં બાતમી આધારે પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યો હતો, જ્યારે સ્પાનો માલિક ફરાર થઈ ગયો હતો. બોડી મસાજની આડમાં ચાલતા આ કુટણખાના બદલ મેનેજર અને ફરાર માલિક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ 2 દિવસ અગાઉ સરખેજ પોલીસે બોપલ આંબલી રોડ પર આવેલા વનવર્લ્ડ વેસ્ટ કોમ્પલેક્સમાં ‘ધ ઝીરો સ્પા’માં રેડ કરી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલીને અહીં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો અને સ્પા સેન્ટરના મેનેજર સાઉદમીયા શેખ (રહે. ખાનપુર)ની ધરપકડ કરી હતી. મેનેજર અહીં ત્રણ માસથી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સ્પા સેન્ટરની માલિક ટીના ઉર્ફે કાવ્યા મહેતા (રહે. શ્રીજી બંગ્લો, નારોલ)હોવાનું સામે આવ્યું છે. એલિસબ્રિજ પોલીસે આંબાવાડીમાં આવેલા શ્રી ક્રિષ્ના કોમ્પલેક્સના ‘લેમન આયુર્વેદિક સ્પા’માં રેડ દરમિયાન પોલીસે એક ગ્રાહકને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્પા સંચાલક અને માલિક પૂજા મખીજાની શોધખોળ હાથ ધરી છે. જ્યારે બોપલ આંબલી રોડ અને એલિસબ્રિજના સ્પા સેન્ટરના ઓથા હેઠળ કેટલા સમયથી કૂટણખાનું ચાલતું હતું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.