
હિંમતનગરથી શામળાજી વચ્ચે નિર્માણ પામી રહેલા સિક્સ-લેન નેશનલ હાઇવેના નિરીક્ષણ પછી આજે ગાંધીનગર ખાતે ‘ધ લીલા’ હોટલમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકની આગેવાની કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે માર્ગ નિર્માણ અને સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગે વ્યાપક ચર્ચા થઈ. હિંમતનગર–શામળાજી સિક્સ-લેન હાઇવેના કાર્યમાં તેજી લાવવા તેમજ સુવિધાસભર માર્ગ વ્યવસ્થા ઉભી કરવા બાબતે માર્ગદર્શક નિર્ણયો લેવાયા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા નેશનલ હાઇવે પ્રોજેક્ટ અંગેની વિગતવાર માહિતી મેળવી અને સમયમર્યાદા પ્રમાણે કામ પૂર્ણ થાય તેની આવશ્યકતા પર ભાર મૂક્યો.ગુજરાતમાં માર્ગ સુવિધાઓ સુધરવાથી ઉદ્યોગ, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને વિશાળ પ્રોત્સાહન મળશે તેમજ રાજ્યની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપશે એવું પણ બેઠકમાં જણાવાયું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી 27 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય સઘન પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સ, ખાસ કરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની પ્રગતિનું જમીની અને હવાઈ નિરીક્ષણ કરશે. આ પ્રવાસ દરમિયાન મંત્રી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશે, જેમાં NH-53 અને NH-48ના 100 કિમીનું રોડ નિરીક્ષણ તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 200 કિ.મી.નો હેલિકોપ્ટરથી એરિયલ સર્વે સામેલ છે.