
ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ જજ દ્વારા અમદાવાદના સાબરમતીમાં આવેલ અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતા 29 રહેવાસીઓ દ્વારા દાખલ કરેલી અરજીઓને નકારી દેવાઈ હતી. સાથે જ સિંગલ જજે પોતાના ચુકાદા ઉપર બે સપ્તાહનો સ્ટે મૂક્યો હતો. જે પૂર્ણતાના આરે છે, ત્યારે રહેવાસીઓએ સિંગલ જજના ચુકાદાને ડબલ જજની બેન્ચ સમક્ષ પડકારતા તાત્કાલિક સુનવણીની માગ કરી છે. તેઓએ કહ્યું હતું કે તેમના રહેણાક મકાન કોર્પોરેશન તોડી શકે તેમ છે. ત્યારે હાઇકોર્ટે આ મુદ્દે સોમવારે(1 ડિસેમ્બરે) સુનવણી રાખી છે.
સાબરમતી તાલુકામાં બળદેવ નગરના 29 રહેવાસીઓએ AMCની મકાન ખાલી કરવાની નોટિસ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ 29 અરજદારોએ એડવોકેટ વિક્રમ ઠાકોર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહેવાયું હતું કે, 21 મેના રોજ AMC દ્વારા તેમને 07 દિવસમાં મકાનો ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી હતી. આ વિસ્તાર બળદેવ નગર, અચેરમાં છે. અહીં 1984માં રોડ બનાવવાની TP સ્કીમમાં જોગવાઈ કરાઈ હતી. પરંતુ જમીનના મૂળ માલિકે તેના પ્લોટ પાડી લોકોને ભાડે આપ્યા હતા. તેઓ 60 વર્ષથી અહીં રહી રહ્યા છે.
બળદેવનગરને સ્લમ ક્લિયરન્સ એરિયા જાહેર કરાયો છે. છત્તા તેના રીડેવલપમેન્ટની કોઈ વાત કરવામાં આવી નથી. તેઓએ કાનૂની રીતે વીજળી, પાણીના કનેક્શન મેળવેલ છે અને AMCનો ટેક્સ પણ ભરે છે. અહીં 24 મીટર પહોળો TP રોડ બનાવવાની વાત છે. આમ 1984ની TP સ્કિમનો અમલ 41 વર્ષ બાદ કરાઈ રહ્યો છે. અહીં 100 જેટલા પાકા મકાનો તૂટતા 01 હજાર જેટલા લોકોને અસર થશે. ખરેખરમાં TP સ્કિમ 1984ની હવાલો અને ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની કરે તેવી શકયતાઓને જોતા આ વિસ્તારમાં વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં 24 મીટર પહોળો રોડ બનાવવાની વાત છે.
સરકારી વકીલની દલીલ મુજબ અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલાઈઝ થઈ ચૂકી છે. તે દરમિયાન તેને પડકારવામાં આવેલ નથી. એક વખત ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઈનલ થઈ જાય ત્યારબાદ રોડ બનાવવા માટે જગ્યા ખાલી કરવી જ પડે. આ માટે સરકારી વકીલે કોર્ટના અગાઉના ચુકાદા પણ હાઇકોર્ટ સમક્ષ મૂક્યા હતા. AMC ના જણાવ્યા મુજબ TP સ્કીમના ફાઈનલાઈઝેશનને કોર્ટ સમક્ષ ચેલેન્જ કરાયેલ નથી. સિંગલ જજે નોંધ્યું હતું કે અરજદારોને અપીલમાં આપવામાં આવેલી સૂચના મુજબ જગ્યા ખાલી કરીને શાંતિપૂર્ણ રીતે સત્તાધિકારીઓને સોપવાની રહેશે. સાથે જ સિંગલ જજે અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે યોગ્ય સત્તાધિકારીઓ પાસે અરજી કરવાની છૂટ આપી. હાઈકોર્ટે તેના આદેશને બે અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો હતો. જેથી રહેવાસીઓ અપીલ કરી શકે.