.
રાજ્યમાં હજુ શિયાળો બરોબર જામ્યો નથી, ત્યાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ડિસેમ્બરમાં 10 દિવસ માવઠું વરસી શકે છે. જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરતા જણાવ્યું હતું કે, માગશર મહિનાની અંદર 7થી 10 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવશે અને માવઠા રૂપી વરસાદ થશે. બીજું માવઠું 23થી 28 ડિસેમ્બરના સમય વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશે. આ સમયમાં ઢાંક ડુમ્મસ અને વરસાદી ઝાપટારૂપી વરસાદ થશે. આ કમોસમી વરસાદથી ઘાસચારો બગડશે. ઠંડીની આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. હાલ પવનની દિશા દક્ષિણ પૂર્વથી પૂર્વની છે. હાલ તાપમાન સમાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. હાલ જે પવન ફૂંકાઈ રહ્યા છે તે ગરમ છે, જેથી તાપમાન વધ્યું છે. હવામાં આવતા ભેજના કારણે પણ તાપમાન ઊંચકાયું છે. બે દિવસ બાદ તાપમાન ફરી ધીરે ધીરે ઘટશે. ફરી ઉત્તર પશ્ચિમી પવન શરૂ થશે અને તાપમાન ઘટશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ લઘુતમ તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા તાપમાન મુજબ 13.6 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી વધુ ઠંડુ શહેર નોંધાયું હતું. જ્યારે સૌથી ગરમ શહેર ઓખા જ્યાં 22.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.1 ડિગ્રી રહ્યું છે. અમરેલીમાં મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી હતું. વડોદરામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી રહ્યું. ભુજમાં મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું. દીવ, દ્વારકા, ગાંધીનગર અને કંડલા સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી વચ્ચે રહ્યું. રાજકોટનું મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી અને સુરતમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વેરાવળમાં મહત્તમ 30.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી રહ્યું હતું.