
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS બસમાં મુસાફરી કરનારા વિદ્યાર્થીઓએ હવે પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં. જેના માટે I pass Ahmedabad એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે. જે બાદ વિદ્યાર્થીઓએ ઓનલાઇન પાસની ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ પાસ ઓનલાઇન જ મોકલી આપવામાં આવશે. આ પાસ ડાઉનલોડ કરી પોતાની પાસે રાખવાનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી ફિઝિકલ પાસ કાઢવા માંગતો હતો તે પ્રિન્ટ કાઢીને પણ પોતાની પાસે રાખી શકશે. આ અંગે AMTS કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે AMTS બસમાં 50000થી વધારે વિદ્યાર્થીઓ કન્સેશન પાસ કઢાવીને મુસાફરી કરતા હોય છે. દર છ મહિને વિદ્યાર્થીઓને પાસ કઢાવવો પડે છે ત્યારે તેઓને લાઈનમાં ઊભું રહેવું ન પડે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે એપ્લિકેશનમાં વિદ્યાર્થી દ્વારા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીએ AMTS અને BRTS બસ એમ બંનેના પાસ કઢાવી શકશે. જો વિદ્યાર્થી AMTS અને BRTS બંનેમાં મુસાફરી કરતો હોય તો બંનેના પાસ કઢાવી શકશે. તેઓએ આગળ કહ્યું કે, જો બંને બસના પાસ માટે તેમાં વિકલ્પ આપવામાં આવેલા છે. વિદ્યાર્થીએ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. જે ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી તેમાં વિગતો ભરવી પડશે.આ વિગતો ભરીને કોલેજના સહી સિક્કા કરાવ્યા બાદ તેને અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ પૈસા ભરવાના રહેશે. ઓનલાઇન ફી ભર્યા બાદ પાસ મોકલી આપવામાં આવશે. જેને વિદ્યાર્થી ડાઉનલોડ કરી પોતાના મોબાઈલમાં રાખી શકશે અથવા તેને પ્રિન્ટ કાઢીને પણ રાખી શકશે. આ પ્રમાણે ઓનલાઈન સુવિધા થવાના કારણે વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં અને બસ ટર્મિનસ પર ધક્કા ખાવા પડશે નહીં. AMTS બસમાં 6 મહિનાના પાસની મહિલાઓ માટે 2100 અને પુરુષ માટે 2400 રૂપિયા ફી છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS )દ્વારા રૂ.8 કરોડના ખર્ચે નવી ચાર ડબલ ડેકર એસી બસ ખરીદવામાં આવી છે. નવી આવનાર ડબલ ડેકર બસ રૂટ નંબર 130 નરોડાથી નારોલ, રૂટ નંબર 501 ઉજાલા સર્કલથી ત્રિમંદિર અને રૂટ નંબર 401 ત્રિમંદિરથી ઉજાલા સર્કલના રૂટ પર દોડાવવામાં આવશે. જ્યારે એક ડબલ ડેકર નિકોલ વિસ્તારમાં દોડાવવા માટે શક્યતા ચકાસાઈ રહી છે. AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે પહેલા સાત ડબલ ડેકર ખરીદવામાં આવી હતી અને હવે નવી ચાર બસ આવતા કુલ ડબલ ડેકર બસની સંખ્યા 11 થશે. લાલ દરવાજાથી વસ્ત્રાલ અને ઇસનપુરથી રાણીપનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેને હયાત રૂટ ઉપર જ દોડાવવામાં આવે છે.