
સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જ્યાં પોઝિટિવ ટ્યુશન ક્લાસિસનો એક શિક્ષક પોતાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બ્લેકમેલ કરતો હતો. આ સાથે જ વર્ચ્યુઅલ નંબરથી વ્હોટ્સએપમાં ‘બહુ મજા આવે છે રમત રમવાની બેન તો વધુ રમત રમીએ, થોડી વધુ મજા આવશે. નંબર બ્લોકમાં ના નાખો ઘણી બધી ડિટેલ આપવાની બાકી છે તમને. બધાને હજી મજાકની કોઈ એક હદ હોય છે તમે બધી…’ સહિતના મેસેજ કરી વિદ્યાર્થિનીને ‘વધુ રમત રમવાની’ અને ‘મજા લેવાની’ વાતો કરીને ડરાવતો હતો. આ સનકી શિક્ષકે હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે વર્ચ્યુઅલ નંબરથી એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થિનીના પરિવારના સભ્યો-સંબંધીઓને એડ કરી વિદ્યાર્થિનીના મોર્ફ કરેલા ફોટો શેર કર્યા હતાં. આખરે કપાળે લાલ ચાંદલો કરી રાક્ષસ જેવું કૃત્ય કરનારા શિક્ષકને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો છે.
આ મામલે સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે, સાયબર સેલ દ્વારા ઝડપાયેલા આરોપી ભાવેશ સૂર્યકાંતભાઈ પટેલ (વસોયા) (ઉં.વ. 35) એક શિક્ષક છે અને કતારગામ, આંબાતલાવડી સ્થિત પોઝિટિવ ટ્યુશન ક્લાસીસમાં ચલાવતા હતા. ફરિયાદી વિદ્યાર્થિની તેમની પાસે ટ્યુશન માટે જતી હોવાથી ભાવેશ વસોયા તેને ઓળખતો હતો. આ ઓળખાણનો ગેરલાભ લઈને ભાવેશ વસોયાએ વિદ્યાર્થિનીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 2023માં જ્યારે વિદ્યાર્થિનીના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇ.ડી. બન્યું, ત્યારે આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ ભાવેશે વિદ્યાર્થિનીને થોડો સમય હેરાન કરવાનું બંધ કરી દીધુ હતું. જે બાદ ફરી આરોપીએ વિદ્યાર્થિનીને હેરાન કરવાનું શરૂ કર્યું અને ગુનો દાખલ થયો ત્યાં સુધી એટલે કે, 26 મે, 2025 સુધી વિદ્યાર્થિનીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
આરોપી ભાવેશે વિદ્યાર્થિનીને હેરાન કરવા માટે અનેક ગંભીર કૃત્યો કર્યા હતા. તેણે વિદ્યાર્થિનીના નામથી ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ ફેક આઇ.ડી. બનાવી, તેમજ વ્હોટ્સએપ વર્ચ્યુઅલ નંબર ઉપરથી મેસેજ કર્યા હતા. એટલું જ નહીં, ભાવેશે ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ ફોટોમાં વિદ્યાર્થિનીના જૂના ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. ત્રાસની હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે તેણે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થિની અને તેના પરિવારના સભ્યો-સંબંધીઓને એડ કર્યા અને તે ગ્રુપ તથા પ્રોફાઇલમાં વિદ્યાર્થિનીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટોગ્રાફ્સ મૂકી બદનામ કરવાનો પ્રયાસ કર્યો. આ કૃત્યોથી વિદ્યાર્થિની અને તેના પરિવારને માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા. આખરે, વિદ્યાર્થિનીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા, પોલીસે જરૂરી ટેક્નિકલ વર્કઆઉટ કરીને કતારગામના વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના અણીન્દ્રા ગામના આ આરોપી શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી હતી.
વિદ્યાર્થિનીએ 2021માં ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ તે પ્રાઈવેટ નોકરી કરવા લાગી હતી. વિદ્યાર્થિની નોકરી કરવા લાગ્યા બાદ જ એકતરફી પ્રેમમાં પાગલ બનેલા શિક્ષકે તેને હેરાન-પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. નોકરી ન કરવા માટે દબાણ કરતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થિનીએ વર્ષ 2023માં સિંગણપોર પોલીસ મથકમાં આ અંગે અરજી આપી હતી. આ અરજીની તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી હતી અને આખરે 26 મે, 2025ના રોજ સાયબર ક્રાઇમ સેલમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે સનકી શિક્ષકને ઝડપી પાડ્યો છે. તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.