
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી 28 નવેમ્બરની મોડીરાત્રે એક તાજી જન્મેલી બાળકી ત્યજેલી હાલતમાં મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને લોકો એ તરફ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. હાલમાં બાળકી સુરત સિવિલમાં ICUમાં સારવાર હેઠળ છે. કોઈ અજાણી વ્યક્તિ કે મહિલા દ્વારા પોતાના પાપને છુપાવવાના ઇરાદાથી આ ફૂલ જેવી બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માસૂમને ત્યજી દેનારને શોધનારને 11 હજારનું ઈનામ આપવાની ઇચ્છાપોર પોલીસે જાહેરાત કરી છે. ઇચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે બાળકી બાબતે જણાવ્યું હતું કે બાળકી હાલ ICUમાં છે અને સારવાર ચાલી રહી છે. બાળકીને કોણ મૂકી ગયું છે એ અંગેની તપાસ ચાલી રહી છે. અમે અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. આશાવર્કરો સાથે પણ સંપર્કમાં છીએ. નજીકમાં આવેલી તમામ હોસ્પિટલોમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ.
જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા સ્થાનિક લોકોએ અચાનક બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો. એ બાદ લોકોએ અવાજની દિશામાં જઈને તપાસ કરતાં તેમને તાજી જન્મેલી એક બાળકી ત્યજેલી અને નિઃસહાય હાલતમાં મળી હતી. ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી ખુલ્લી જગ્યાએ નવજાત શિશુ મળતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. લોકોમાં દયાની સાથે-સાથે બાળકીને ત્યજી દેનારાં માતા-પિતા પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. આ ગંભીર અને અમાનવીય કૃત્યની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સમય બગાડ્યા વિના તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સૌપ્રથમ કાયદેસરની કાર્યવાહી બાજુ પર મૂકીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બાળકીની નાજુક હાલતને જોતાં પોલીસે તેને તાત્કાલિક સારવાર મળી રહે એ હેતુથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. હાલમાં તબીબી સ્ટાફ દ્વારા બાળકીની સઘન સારવાર ચાલી રહી છે. પોલીસ બાળકી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરી રહી છે.
આ અમાનવીય કૃત્ય કરનારાં નિર્દયી માતા-પિતાને શોધી કાઢવા માટે ઇચ્છાપોર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇચ્છાપોર પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે જે કોઈ વ્યક્તિ આ નવજાત શિશુનાં માતા-પિતાને શોધી કાઢવામાં મદદ કરશે અથવા તેમની સચોટ માહિતી આપશે તેને 11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. પોલીસ દ્વારા જાહેર કરાયેલું આ ઇનામ સમાજને આ તપાસમાં સહકાર આપવા માટે પ્રેરિત કરશે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ, હોસ્પિટલોમાં તાજેતરમાં પ્રસૂતિ થયેલી મહિલાઓની વિગતો અને સ્થાનિક લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસને આશા છે કે જલદીથી આ નવજાત બાળકીનાં માતા-પિતા મળે અને તેમને તેમનાં કૃત્ય માટે કાયદાકીય સજા થશે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક અત્યંત સંવેદનશીલ અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જ્યાં ગટરના સુએઝ પમ્પિંગ સ્ટેશનના સ્ક્રીન ચેમ્બરમાંથી નવભ્રૂણ મળી આવ્યું છે. માતૃત્વ છુપાવવા માટે આ ભ્રૂણને ડ્રેનેજ સિસ્ટમમાં ફેંકી દીધું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ બનાવને પગલે જહાંગીરપુરા પોલીસે ભ્રૂણ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુએઝ પંપીંગ સ્ટેશનના કર્મચારી રોહનકુમાર પટેલે જણાવ્યું હતું કે 17મી તારીખે માનવ ભૃણ મળી આવ્યું હતું જે અંગે અમે જહાંગીરપુરા પોલીસ મથકમાં અરજી કરી હતી. અને સમગ્ર ઘટનાક્રમ અંગે જાણકારી હતી શુક્રવારે એટલે 28 નવેમ્બરના રોજ જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.
આ ઘટના અંગેની વિગતો જહાંગીરપુરા પોલીસ મથકેથી મળી છે. મૂળ ઓલપાડ તાલુકાના જીણોદ ગામના વતની અને હાલ જહાંગીરપુરા ચાર રસ્તા પાસેના બાલકૃષ્ણ રો-હાઉસમાં રહેતા 45 વર્ષીય રોહનકુમાર પ્રમોદભાઈ પટેલ જહાંગીરપુરા સુએઝ પમ્પિંગ સ્ટેશનમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેમના દ્વારા ગઈકાલે(28 નવેમ્બરે) પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ગત તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે સુએઝ પમ્પિંગ સ્ટેશનના સ્ક્રીન ચેમ્બરની સફાઈ દરમિયાન તેમને એક માનવ ભ્રૂણ મળી આવ્યું હતું. આ ચોંકાવનારી ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામા આવી હતી. ત્યારે અરજી દાખલ થઈ હતી.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ કૃત્ય પાછળનું મુખ્ય કારણ કોઈ મહિલા દ્વારા પોતાનું અનિચ્છનીય માતૃત્વ છુપાવવાનો પ્રયાસ હોઈ શકે છે. આ મહિલાએ બાળકને જન્મ આપતા પહેલા અથવા તરત જ, આ ભ્રૂણને ગટરમાં ફેંકી દીધું હશે. સ્ક્રીન ચેમ્બર એવો વિસ્તાર છે જ્યાં ગટરમાં આવતો કચરો ફિલ્ટર થાય છે, અને ત્યાંથી જ આ ભ્રૂણ મળી આવ્યું હતું, જે દર્શાવે છે કે તેને જાણી જોઈને ડ્રેનેજ લાઈનમાં વહેવડાવવામાં આવ્યું હતું. માનવ ભ્રૂણને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યું છે, જેનાથી તેની ઉંમર અને જન્મ સંબંધિત અન્ય વિગતો જાણવા મળી શકે.