
રાજકોટમાં છેલ્લા 38 વર્ષથી જનજાગૃતિનું કામ કરતી એઇડ્સ પરિવેનશન ક્લબ દ્વારા તા.1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિવસ હોવાથી રેડ રિબન, માનવ સાંકળ, સેમિનાર સહિતના અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વર્ષે ‘વિક્ષેપ પર કાબૂ મેળવવો, એઇડ્સ પ્રતિભાવનું પરિવર્તન કરવું’ સૂત્ર છે. દર વર્ષ સંસ્થા એક મહિના આ કાર્યક્મ કરતી હોય જે આ વખતે આગામી 31 માર્ચ 2026 સુધી શાળા કોલેજો તેમજ વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આજે રાજકોટની વિરાણી સ્કૂલના 1,000 વિદ્યાર્થીઓએ રેડ રિબન બનાવી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટની વિરાણી હાઈસ્કૂલ દ્વારા છેલ્લા 15 વર્ષથી એઇડ્સ પ્રિવેન્શન ક્લબના સંયુક્ત ઉપક્રમે વિશ્વ એઇડ્સ દિવસ (1લી ડિસેમ્બર) નિમિત્તે જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તેના પૂર્વ પ્રભાતે શાળાના મેદાનમાં ધોરણ 9થી 12ના 1000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક વિશાળ ‘રેડ રિબિન’ બનાવવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ નરેન્દ્રસિંહ ડોડિયાએ માહિતી આપી હતી કે આ રેડ રિબિનના આયોજનનો મુખ્ય હેતુ બાળકો અને સમાજમાં એઇડ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રિન્સિપાલ નરેન્દ્રસિંહ ડોડિયાએ એઇડ્સને લઈને લોકોમાં રહેલી ગેરમાન્યતાઓ વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, એઇડ્સ ચેપી રોગ નથી. ખાસ કરીને સાથે બેસીને નાસ્તો કરવાથી, જમવાથી કે બાજુમાં બેસીને ભણવાથી તે ફેલાતો નથી. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા પણ આ અંગે પુષ્કળ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેના પરિણામે રાજકોટમાં સમયાંતરે એઇડ્સના દર્દીઓનું પ્રમાણ ઘટ્યું છે.
એઇડ્સ પ્રિવેન્શન ક્લબના ચેરમેન અરુણ દવેએ આ તકે જણાવ્યું હતું કે, આ દરેક કાર્યક્રમ યોજવાનો હેતુ કે, એઇડ્સને સંપૂર્ણ પણે નાબૂદ કરવાનો છે. તેમજ પહેલા કરતા હાલના સમયમાં જોઇએ તો વૈશ્વિક સ્તર કરતા ભારતમાં એઇડ્સનાં દર્દીઓનું પ્રમાણ ઘટ્યું છે. લોકોમાં પણ જાગૃતિ જોવા મળે છે.
વિશ્વમાં પ્રથમવાર 1981થી એઇડ્સ જોવા મળેલો હતો અને ભારત દેશમાં 1986થી જોવા મળેલો, ત્યારથી સંશોધન થતું હતું જેમાં હવે સફળતા મળતી દેખાઇ છે. ભારત સરકારના સઘન પ્રયાસોને કારણે અહીં કોઈપણ દવાઓની અછત જોવા મળતી નથી. તેમજ સંશાધકોએ શોધેલી રસીને વિશ્વમાં સૌપ્રથમ વાર્ષિક બે વાર HIVનાં નિવારણની રસીને મંજૂરી મળી છે. જે એચઆઇવી નેગેટિવ છે તેમને આ રસી લેવાની રહેશે. લેનાકાપાવીર નામની આ રસી ભારતમાં પણ બની શકે છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં વિરાણી સ્કૂલના ધો.6થી 8 અને 9થી 12ના 1,000થી વધુ વિદ્યાર્થીઓ આ જનજાગૃતિ ઝુંબેશમાં જોડાયા હતા. જેમાં વિજ્ઞાન શિક્ષકો એઇડ્સ સંબંધી માહિતી આપી હતી.
એઈડ્સ અંગે જાગૃતિનાં આગામી કાર્યક્રમો અંગે વધુ માહિતી આપતા અરુણ દવેએ જણાવ્યું કે, સોમવારે શહેર જિલ્લાની તમામ શાળાઓમાં છાત્રો રેડ રિબન નિર્માણ કરશે. તેમજ વિશ્વ એઈડ્સ દિવસે સોમવારે સવારે 9:30 વાગ્યે લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સના સામેના ગ્રાઉન્ડમાં માનવ સાંકળ રચવામાં આવશે, જેમાં પણ રાજકોટ હોમિયોપેથિક કોલેજ, ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાશે. આ ઉપરાંત આ જ દિવસે જિલ્લા શિક્ષણ અધિકારીના સહયોગથી જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ રેડ રિબન બનાવશે. આજ દિવસે બપોરે 2:30 વાગ્યે એલ.આર.શાહ હોમિયોપેથિક કોલેજ ખાતે સેમિનાર યોજાશે જેમાં સાંજે 5 વાગ્યે લાઈક બ્લડ સેન્ટર, રેસકોર્સ રોડ ખાતે આ અંગે માર્ગદર્શન આપી 500 લાલ ફુગ્ગાની મોટી રેડ રિબન હવામાં તરતી મુકાશે. તા.2ને મંગળવારે સવારે 9:30 વાગ્યે જી.ટી. શેઠ સ્કૂલ કે.કે.વી ચોક ખાતે રેડ રિબન બનાવાશે, આજ દિવસે બપોરે 2:30 વાગ્યે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાવિ શિક્ષકો માટે સેમિનાર યોજાશે. તા.3ને બુધવારે સવારે 10 વાગ્યે ઠાકોર મૂળવાજી વિનિયન કોલેજ કોટડાસાંગાણી સરકારી કોલેજમાં સેમિનાર યોજવામાં આવ્યો છે. તથા 1000 કેન્ડલની ઝગમગતી રેડરિબન પંચશીલ સ્કૂલમાં પણ બનાવવામાં આવનાર છે.