ઓનલાઇન શોપિંગ કરી રોકડ પેમેન્ટમાં અસલી નોટો વચ્ચે નકલી નોટ મૂકીને ખેલ કરતા લવરમૂછિયા ઝડપાયા

Spread the love

 

શહેરની સેટેલાઇટ પોલીસે ત્રણ લવરમૂછિયાઓને નકલી નોટોના જથ્થા સાથે ઝડપી લીધા છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ગાડી રોકીને તપાસ કરતા સીએનજી સર્ટિફીકેટ મળ્યું હતું. સર્ટિફિકેટ અને કારની નંબરપ્લેટનો નંબર અલગ હોવાથી પોલીસને શંકા ઉપજી હતી. જે બાદ તપાસ કરતા કારમાંથી નકલી ચલણી નોટો મળી આવતા નકલી નંબર પ્લેટ સાથે નકલી નોટોનું રેકેટ ઝડપાયું છે.

આરોપીઓ ઇ-કોમર્સ વેબસાઇટ પર ફોન સહિતની વસ્તુઓનો ઓર્ડર કરતા હતા. બાદમાં ડિલિવરી બોયને ખાસ રાત્રે જ બોલાવીને અંધારામાં અસલી નોટો વચ્ચે નકલી નોટો મૂકીને રોકડમાં પેમેન્ટ આપીને નીકળી જતા હતા. પોલીસે નકલી નોટો આપનારની પણ શોધખોળ હાથ ધરી છે.

સેટેલાઇટ પોલીસ બાગેશ્રી ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગ કરી રહી હતી ત્યારે એક ગાડીને રોકીને તપાસ કરતા નંબર પ્લેટ નકલી હતી. સીએનજી સર્ટિફિકેટ અને નંબરપ્લેટનો નંબર અલગ હોવાથી પોલીસને શંકાઓ ઉપજતા કારમાં સવાર ત્રણ લોકોની અટકાયત કરી હતી. પોલીસે દેવાંશ પટેલ (રહે. રાજમહેલ સોસાયટી, કડી), વૈભવ પટેલ (રહે. સુથારવાસ, કડી) અને સચિન સિંગ (રહે. વૈષ્ણવદેવી સર્કલ પાસે)ની અટકાયત કરીને કારની તપાસ કરતા તેમાંથી 500ના દરની 166 જેટલી નકલી નોટો મળી આવી હતી. બાળકોના મનોરંજન માટે વપરાતી આ નકલી નોટો બાબતે આરોપીઓની પૂછપરછ કરતા કોલકાતાના શખ્સ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ ઇ-કોમર્સ વેબસાઇટ પર ફોન સહિતની વસ્તુઓ ઓર્ડર કરતા હતા. બાદમાં ડિલિવરી બોયને નકલી નોટોની ખબર ન પડે તે માટે રાત્રે બોલાવીને અંધારામાં જ અસલી નોટોના બંડલમાં વચ્ચે નકલી નોટો મૂકીને પેમેન્ટ ચૂકવીને નીકળી જતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 2.15 લાખનો મુદ્દામાલ કબજે કરી કોલકાતાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ચીટિંગ કરવા ખાસ રાત્રે જ ડિલિવરી લેતાં હતા

આરોપી દેવાંશ પટેલ, વૈભવ પટેલ, સચિન સિંગને ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આરોપીઓ ફોન જેવી વસ્તુઓનો ઓર્ડર આપતા હતા. ડિલિવરી બોયને અસલી નોટો વચ્ચે નકલી નોટો મૂકી હોવાની ખબર ન પડે તે માટે ખાસ અંધારાના સમયમાં જ વસ્તુની ડિલિવરી મેળવતા હતા. બાદમાં અસલી અને નકલી નોટોના પેમેન્ટથી ખરીદેલી વસ્તુઓ પાંચેક હજારની ઓછી કિંમતે અન્ય વ્યક્તિને વેચી દેતા હતા. આ નકલી નોટો આરોપી સચિન સિંગના મિત્ર અભિષેક (રહે. કોલકાતા)એ આપી હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વી. જે. ચૌધરી ,પોલીસ ઇન્સ્પેક્ટર, સેટેલાઇટ પોલીસ સ્ટેશન

નકલી નોટોના તાર દિલ્હી સુધી

ત્રણ આરોપી પૈકી સચિન સિંગ નકલી નોટો લાવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે આરોપી અસલી નોટો આપવા સહિતનું કામ કરતા હતા. આરોપી સચિન સિંગનો મિત્ર અભિષેક પાંડે આ નકલી નોટો આપતો હતો. પરંતુ આરોપીએ દિલ્હીના ફ્લેટમાં નકલી નોટો છાપી હોવાની માહિતી મળતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *