સુરતમાં 18 વર્ષીય KTM બાઇકરનું અકસ્માતે મોત

Spread the love

 

સુરતમાં એક અત્યંત હૃદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેણે દરેક વાલી અને યુવાનોને હચમચાવી દીધા છે. ‘ઝડપની મજા, મોતની સજા’ આ કહેવત સુરતના બ્રેડ લાઇનર સર્કલ પાસે સાચી પડી છે. માત્ર 18 વર્ષની વયના એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મૃતકે પોતાના મોતના માત્ર બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે મોત અને સ્વર્ગની વાતો કરી રહ્યો હતો, જે આજે તેના માટે એક ભયાનક હકીકત બની ગઈ છે. પ્રિન્સ પટેલ પોતાની KTM બાઈક લઈને સુરતના યુનિવર્સિટી રોડ તરફથી આવી રહ્યો હતો અને બ્રેડ લાઇનર બ્રિજ પરથી નીચે ઊતરી રહ્યો હતો. બ્રિજ ઊતરતી વખતે બાઈકની સ્પીડ એટલી વધારે હતી કે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતાં બાઈક જોરદાર ધડાકા સાથે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોનારાનાં કાળજાં કંપી ગયાં હતાં. પ્રિન્સનું માથું અને ધડ અકસ્માતના કારણે અલગ થઈ ગયાં હતાં અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
અકસ્માતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 18 વર્ષના જુવાનજોધ દીકરાના અચાનક મોતથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ન હતું. જો તેણે સારી ગુણવત્તાનું હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આ જીવલેણ ઈજાથી બચી શકાયું હોત અથવા તો શરીરનાં અંગો આ રીતે ક્ષતવિક્ષત ના થયાં હોત. આ ગમખ્વાર અકસ્માત અંગે ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયાએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે માતાએ ખૂબ મહેનત કરીને તેને ભણાવ્યો હતો, પરંતુ ઓવરસ્પીડિંગને કારણે આ ઘટના બની. તેમણે લોકોને અપીલ કરી છે કે રીલ બનાવવાની ઘેલછામાં યુવાનો ઓવરસ્પીડિંગ કરી રહ્યા છે, જે ખૂબ જ જોખમી છે. આવાં જોખમી કૃત્યોથી દૂર રહેવું જોઈએ અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ.
મૃતક યુવકની માતા આવાસમાં રહીને દૂધ વેચાણ કરી મહામહેનતે પોતાનું ગુજરાન ચલાવતી હતી. પ્રિન્સ તેની માતાનો એકમાત્ર દીકરો હતો. તેણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. દીકરો મોટો થઈને પરિવારનો આધાર બનશે, એવી માતાની આશાઓ હતી, પરંતુ ઓવરસ્પીડિંગ અને રીલ બનાવવાની ઘેલછાએ એક ગરીબ માતા પાસેથી તેનો એકમાત્ર આધાર છીનવી લીધો છે અને હવે આ ઘટના બાદ તે માતા એકલી પડી ગઈ છે. પોલીસ તપાસ અને પ્રિન્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ (PKR BLOGGER) પરથી મળેલી વિગતો મુજબ, પ્રિન્સને પોતાની નવી KTM બાઈક પ્રત્યે દીવાનગી હતી. તે પોતાની આ બાઈકને પ્રેમથી ‘લેલા’ કહીને બોલાવતો હતો. કરુણતા એ છે કે અકસ્માતના માત્ર બે દિવસ પહેલાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બાઈકને લઇ એક રીલ બનાવી શેર કરી હતી. આ રીલમાં એક ડાયલોગ હતો કે,”જબ તક મજનુ જિંદા થા ઉસે ઇસ દુનિયા મેં લેલા સે ખૂબસૂરત કોઈ લગી નહીં, લેકિન અબ વહ ઉસ જહાન મેં હૈ જહાં હુર ઔર પરિયા ભી રહેતી હૈ, લેકિન વહા જાકર ઉસે લેલા સે હસીન કોઈ લગી નહીં રહી હૈ”.
આ રીલમાં તે પોતાની બાઈક (લેલા) વિશે વાત કરી રહ્યો હતો કે સ્વર્ગમાં જઈને પણ તેને પોતાની બાઈક જેવું કોઈ સુંદર લાગશે નહીં. આ શબ્દો જાણે કે તેના માટે ભવિષ્યવાણી સાબિત થયા હોય તેમ, આજે તે જ બાઈક પર સવાર થઈને તે કાયમ માટે આ દુનિયા છોડી ગયો છે. તેણે કેપ્શનમાં પણ લખ્યું હતું કે લેલા કે અલાવા કોઈ નહીં. પ્રિન્સ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતો અને અવારનવાર બાઈક સ્ટંટ અને સ્પીડના વીડિયો અપલોડ કરતો હતો. 22 સપ્ટેમ્બરે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરી જણાવ્યું હતું કે તેણે નવી KTM બાઈક ખરીદી છે. 13 ઓક્ટોબરે તેણે એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તેની બાઈકની સ્પીડ 144 કિમી પ્રતિ કલાકની જોવા મળી હતી. તેણે પોતાની બાઈક પર ‘મોન્સ્ટર’ લખાવ્યું હતું, જે દર્શાવે છે કે તેને સ્પીડનો કેટલો શોખ હતો.
આ ઘટના આજના યુવાનો માટે એક ચેતવણી સમાન છે. સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના મોહમાં અને સ્પીડના થ્રિલમાં યુવાનો પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. હેલ્મેટ જેવી પ્રાથમિક સુરક્ષાને અવગણવી અને રસ્તા પર બેફામ ગતિએ વાહન ચલાવવું કેટલું મોંઘું પડી શકે છે, તે પ્રિન્સ પટેલની આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. ‘લેલા’ (બાઈક) રહી ગઈ, પણ તેનો ‘મજનુ’ (પ્રિન્સ) હવે આ દુનિયામાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *