અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં ઘર કંકાસમાં પતિએ કરેલા 6 રાઉન્ડ ફાયરિંગના CCTV સામે આવ્યા

Spread the love

 

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં ગઈકાલે પતિએ પત્ની સાથેના ઝઘડાના કારણે સસરાના ઘરની બહાર જઈને બે અલગ અલગ હથિયાર વડે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ કેસમાં પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ દારૂના નશામાં સસરાના ઘરની બહાર જઈને ફાયરિંગ કર્યું હતું. આરોપી વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટના બે ગુના અને મારામારીનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. પોલીસ દ્વારા આરોપીનું હથિયાર રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે બપોરે 3:30 વાગ્યાની આસપાસ વિજય ચાર રસ્તા પાસેની સુભાષ સોસાયટીના બંગલા નંબર 16ની બહાર મનહરભાઈ સોનીના જમાઈ રાહુલ સોનીએ ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન કોઈને ઈજા પહોંચી નહોતી. મનહરભાઈએ તાત્કાલિક 112 ઇમરજન્સીનો કોન્ટેક કર્યો હતો. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી અને હથિયાર સાથે ફાયરિંગ કરનાર રાહુલ સોનીની ધરપકડ કરી હતી.
પોલીસે ફાયરિંગ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી રાહુલ સોની ફરિયાદી મનહર સોનીનો જમાઈ છે. આરોપી રાહુલ સોનીનો પત્ની મયુરી સાથે કેટલાક સમયથી કંકાસ ચાલતો હતો. આ કંકાસ દરમિયાન મનહરભાઈ અવારનવાર બંનેને સમજાવતા હતા, પરંતુ થોડા સમય બાદ ફરીથી બંને વચ્ચે કંકાસ ચાલુ થઈ જતો હતો. ગઈકાલે પણ પતિ-પત્ની વચ્ચે કંકાસ થયો હતો, આ દરમિયાન રાહુલે સસરા મનહરભાઈને ફોન કરીને કહ્યું હતું કે, હવે આનું શું કરવાનું ત્યારે. મનહરભાઈએ કોઈ જવાબ ના આપતા રાહુલ તેમના સેટેલાઈટ ખાતેના ઘરેથી ટાઇટેનિયમ ગાડીમાં 12 બોરની બંદૂક અને રિવોલ્વર સાથે લઈને મનહરભાઈના બંગલે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાહુલ સોની સામે અગાઉ સેટેલાઈટ, આનંદ નગર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આનંદ નગરમાં રાહુલ સોની વિરુદ્ધ બે આર્મ્સ એકટની અને સેટેલાઈટમાં મારામારીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે રાહુલના બંને હથિયારના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાહુલ જ્યારે હથિયાર લઈને પહોંચ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *