
ગુજરાત હાઇકોર્ટમાં સુરતથી અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાએ રાજ્યમાં બનેલી UCC કમિટીને પડકારતી અરજી એડવોકેટ ઝમીર શેખ મારફતે દાખલ કરી હતી. જેમાં અરજદાર અને સરકાર એમ બંને પક્ષોને સાંભળીને ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે ચુકાદો અનામત રાખ્યો હતો. જેમાં જુલાઈ મહિનામાં ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી હતી. જેથી આ ચુકાદા સામે અરજદારે હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી.
આજે આ મુદ્દાની સુનવણીમાં હાઇકોર્ટે અરજદારને કહ્યું હતું કે કમિટીની રચના કરવી તે સંપૂર્ણ પણે રાજ્યનું એક્ઝિક્યુટિવ કાર્ય છે. કોર્ટ તેમાં કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે ? સિંગલ જજે પણ કહ્યું છે કે આ સંપૂર્ણપણે બંધારણ દ્વારા રાજ્યને અપાયેલા પાવર મુજબ કમિટી રચાઈ છે. જો કે અરજદારે કહ્યું હતું કે કોઈપણ જાતના જાહેરનામાં વગર કમિટી રચી દેવાઈ છે. હાઇકોર્ટે કહ્યું હતું કે રાજ્યે બંધારણના આર્ટિકલ 162ના પાવર મુજબ કમિટીની રચના કરી છે. આ સંપૂર્ણ પણે રાજ્યનું અધિકાર ક્ષેત્ર છે. જેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી કરી શકે નહીં કે તેમાં જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે નહીં. અરજદારે કહ્યું હતું કે કોઈ પણ જાહેરનામાં વગર કમિટીની રચના કરાઈ છે. લેજિસ્લેચર છે તો શા માટે જાહેરનામું બહાર ના પાડ્યું ? હાઇકોર્ટે કહ્યું હતું કે અરજદારને સોર્સ ઓફ પાવર બાબતે કોઈ તકરાર નથી. બંધારણ કોર્ટને રાજ્યના વહીવટી કાર્યોના જ્યુડિશિયલ રિવ્યુની મંજૂરી નથી આપતું. કમિટીની રચનામાં લઘુમતી કોમના કોઈ સભ્યને સમાવાયા નથી તે સિવાય અરજદાર પાસે બીજી કોઈ દલીલો નથી. રાજ્યના કમિટીની રચનાના પાવરને ચેલેન્જ કરાયેલ નથી. જેથી આ અરજીને નકારી નાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સિંગલ જજ સમક્ષ અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા શક્યતાઓ તપાસવા માટે એક કમિટીની જાહેરાત કરી હતી. જે ગુજરાતમાં UCC ને લગતો ડ્રાફ્ટ તૈયાર કરશે. જો કે આ કમિટીમાં અલગ અલગ ધર્મના લોકો નથી, એટલું જ નહીં પરંતુ લઘુમતી જેવા કે મુસ્લિમ, પારસી, ક્રિશ્ચન, શીખ જૈન કે બૌધ ધર્મના લોકો પણ નથી. આ અંગે 16 માર્ચ, 2025 ના રોજ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી. કમિટીના અધ્યક્ષ સ્થાને રિટાયર્ડ જજ રંજના દેસાઈ છે. જેઓ અગાઉ ઉત્તરાખંડ UCC કમિટીના ચેરપર્સન રહી ચૂક્યા છે. સભ્ય એવા આર.સી.કોડેકર ક્રિમિનલ કાયદાના નિષ્ણાંત છે અને સરકાર તરફે વકીલ રહી ચૂક્યા છે. દક્ષેશ ઠાકર કે જેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે, તેઓ સીધી રીતે પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા છે. ગીતા શ્રોફ પણ કોઈ સામાજિક કાર્યકર્તા નહીં, પરંતુ રાજકારણ સાથે સંકળાયેલ છે. જ્યારે સી.એલ.મીણા રિટાયર્ડ સનદી અધિકારી છે. તેમને ધાર્મિક કાયદાઓનું જ્ઞાન હોય નહીં.
UCC દેશના ધાર્મિક વૈવિધ્યતાને ખતમ કરશે અને લઘુમતીઓને અસર કરશે. અરજદાર દ્વારા સ્વામિનાથન કમિટીનું ઉદાહરણ અપાયું હતું જેમાં ખેત નિષ્ણાંતો હતા. બીજું ઉદાહરણ ક્રિષ્ના કુમાર કમિટીનું હતું જે શાળાના શિક્ષણ સાથે સંકળાયેલી હતી, તેમાં શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાંતો હતા. ત્રીજું ઉદાહરણ શેખરન કમિટીનું અપાયું હતું. જે ડિફેન્સને લગતી હોવાથી તેમાં ડિફેન્સ નિષ્ણાતો હતા. અરજદારે કહ્યું હતું કે આ કમિટીઑની રચના જે ઉદ્દેશ માટે થઈ હતી તે કમિટીના સભ્યો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંત લોકો હતા. પરંતુ UCC માં તેવું નથી. જેથી વર્તમાન કમિટીને ભંગ કરીને નવી કમિટીની રચના કરવામાં આવે. અરજદારે સ્વીકાર્યું હતું કે રાજ્ય સરકારની કમિટી રચવાના પાવરને તે ચેલેન્જ કરતો નથી. પરંતુ સમાન પ્રતિનિધિત્વની માંગ કરે છે. આ કમિટીમાં ના તો કોઈ ધાર્મિક લઘુમતી સમુદાયના સભ્ય છે કે ના જે તે કાયદાના નિષ્ણાંત સભ્ય છે. અરજદારની રજૂઆત વિરુધ્ધ એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે અરજદારે હાઇકોર્ટ પાસેથી મેન્ડેમસ રીટ કરીને નિર્દેશ માગ્યા છે કે જૂની કમિટીના સભ્યોની જગ્યાએ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવે. પરંતુ મેન્ડેમસ અરજીના કાર્યક્ષેત્રમાં આવો કોઈ નિર્દેશ આવી શકે નહીં. કારણ કે સરકાર પોતાની લીગલ ડ્યુટી નિભાવવામાં નિષ્ફળ નીવડી હોય તો જ આ અરજી અંતર્ગત દાદ માંગી શકાય. અહીં આવું કશું બન્યું નથી. કમિટીની રચના કરવાનો અબાધિત અધિકાર સરકારનો છે. કોને પસંદ કરવા અને કોને ન કરવા તે વિશે અરજદાર સરકારને બાધ્ય કરી શકે નહીં. જેથી કાયદાકીય રીતે સરકારે કમિટી રચીને કશું જ ખોટું કર્યું નથી. કોણ નિષ્ણાંત છે કે નહીં તે નક્કી કરવાનું કાર્ય અરજદારનું નથી. આ અરજીમાં રાજ્યના કમિટી નીમવાના પાવરનો અરજદારે પણ સ્વીકાર કર્યો છે અને તેને ચેલેન્જ કરાયેલ નથી. જેથી આ અરજીને નકારી દેવામાં આવે. અરજદારે છેલ્લે કહ્યું હતું કે આ મુદ્દો રાજ્યની 7 કરોડ જનતાને સ્પર્શતો છે, ત્યારે તેમાં જ્યુડિશિયલ રીવ્યુની જરૂર છે.