
જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવનું વાર્ષિક નિરીક્ષણ યોજાયું હતું. આ નિરીક્ષણ અંતર્ગત પોલીસના વિવિધ વિભાગોની પરેડ અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ASP પ્રતિભા, DySP રાજેન્દ્ર દેવધા, જયવીરસિંહ ઝાલા, વી.કે. પંડ્યા સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરેડ દરમિયાન માઉન્ટેડ વિભાગના ઘોડેસવારોએ સ્ટંટ પ્રદર્શિત કર્યા હતા, જ્યારે ડોગ સ્ક્વોડે પણ પોતાની કુશળતા દર્શાવી હતી. વાર્ષિક નિરીક્ષણ દરમિયાન પોલીસના ટર્ન આઉટ, ડ્રિલ, માઉન્ટેડ યુનિટ, ડોગ સ્ક્વોડ અને નાઈટ ડ્રિલની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું. આ ઉપરાંત, કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટેની મોકડ્રીલ તાલીમની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, પોલીસ દળ તમામ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, માઉન્ટેડ યુનિટ, એમટી, SOG અને LCB સહિતના તમામ વિભાગોની કામગીરીનું પ્રદર્શન કરાયું હતું અને તેમને સુવ્યવસ્થિત તાલીમ આપવામાં આવી છે. જામનગર જિલ્લાના પોલીસ તંત્રની શારીરિક તંદુરસ્તી ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આતંકવાદી હુમલા જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જિલ્લાભરના પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનું પણ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાની પ્રજાને પૂરતી સુરક્ષા પૂરી પાડવા, સાયબર ફ્રોડના ગુનાઓ અંકુશમાં રાખવા અને લોકોને સાયબર ટોળકીથી સાવચેત કરવા માટે સાયબર સેલ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓની અસરકારક કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત, દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે LCB અને SOG વિભાગની પોલીસ ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ લેન્ડિંગ પોઈન્ટ પર ચેકિંગ અને દરિયાકાંઠા વિસ્તારના લોકોમાં લોકજાગૃતિ લાવવા માટે સેમિનાર યોજવા સહિતના કાર્યક્રમોનું પણ વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું.