
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ધોવાણ થઈ ચૂકેલા રસ્તાઓને ફરી સુદ્રઢ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માર્ગ મકાન વિભાગ (પંચાયત) વિભાગ દ્વારા વિવિધ માર્ગો પર પેચ વર્ક સાથે જ માર્ગોના નવિનીકરણ અને રીસર્ફેસિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના મા.મ.વિભાગ (પંચાયત) દ્વારા ૧૨૦ લાખના ખર્ચે મંજૂર થયેલ અંદાજે ૪ કિ.મી લંબાઈ ધરાવતા સ૨ઢવ- જંલુદ રોડની રીસર્ફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં રસ્તાનું ધોવાણ થયું હોવાને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે તાત્કાલિક આ રસ્તાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા ગ્રામજનોને વાહનવ્યવહાર માટે વધુ સરળ અને સુગમ રસ્તો મળશે તેમજ ગ્રામ વિસ્તારો સુધી પહોંચવું વધુ ઝડપી બનશે.