દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં આજે ગુજરાતે લીડ લીધી છે. આજે રાજ્યનું બેન્કિંગ નેટવર્ક ૧૧,૦૦૦ શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી ૫૬ ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. આ વિશાળ બેન્કિંગ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે. જે સાબિત કરે છે કે, રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા કહ્યું હતું કે, સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રાજ્યના ૧૯૩૦ હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેન્કોની સહાયથી ૧૦૦ ટકા રાશિ ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી.
તેમણે ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ક્રાઇમની ૧૦૦ ટકા રાશિ બ્લોક કરીને ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે. ૧૯૩૦ પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેન્કોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવા માટે પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી હતી, જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની મૂળીને સુરક્ષિત કરી શકાય.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના એક જાગૃત બેન્ક મેનેજરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, તાજેતરમાં જ અમદાવાદના એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા. આ વૃદ્ધ સાયબર ઠગોથી ડરીને પોતાની જીવનભરની કમાણી રૂ. ૪૫ લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી અને ત્યારબાદ આ રકમ કોઈ બીજા ખાતામાં RTGS કરવા તેઓ બેંકમાં પહોંચ્યા હતા. આ બેન્કના સતર્ક મેનેજર જયેશ ગાંધીને કઈક અજુગતું લાગતા તેમણે વૃદ્ધ વ્યક્તિ પાસેથી એફ.ડી તોડવા અને આટલી મોટી રકમ તાત્કાલિક બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો કર્યા હતા. વૃદ્ધ સાથે વાત કર્યા બાદ ડિજિટલ એરેસ્ટનો કિસ્સો ધ્યાને આવતા મેનેજરે ડરી ગયેલા વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી હતી અને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો હતો. રાજ્યની દરેક બેન્કનો દરેક કર્મચારી જો આટલી સતર્કતાથી અને માનવીય અભિગમ સાથે કામ કરશે, તો ચોક્કસપણે ગુજરાતમાં સાયબર ગુનાઓને ઘટાડવામાં રાજ્ય સરકારને સફળતા મળશે, તેમ સંઘવીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસે કોવિડ મહામારી દરમિયાન આર્થિક સંકળામણમાં નાગરિકોને સહાયરૂપ થયેલી બેન્કોની કામગીરીની સરાહના કરી હતી. આ ઉપરાંત તેમણે સ્વામિત્વ યોજના જેવી વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને વધુ સાર્થક અને ઝડપી બનાવવા માટે લીડ લઈને જરૂરી સહયોગ આપવા તમામ બેન્કોને અનુરોધ કર્યો હતો.