હવેથી ‘પ્રધાનમંત્રી કાર્યાલય’ ઓળખાશે ‘સેવા તીર્થ’ તરીકે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક નિર્ણય

Spread the love

 

દાયકાઓ સુધી ભારતીય સત્તાનું કેન્દ્ર બિંદુ ગણાતા સાઉથ બ્લોકમાંથી હવે વડાપ્રધાન કાર્યાલય (PMO) નું સરનામું બદલાવા જઈ રહ્યું છે. વાયુ ભવનની સમીપ તૈયાર થયેલા અત્યાધુનિક અને સુરક્ષિત સંકુલને “સેવા તીર્થ” નામ આપવામાં આવ્યું છે, જ્યાં હવે PMO કાર્યરત થશે. આ માત્ર સ્થળ પરિવર્તન નથી, પરંતુ સરકારની કાર્યશૈલીમાં ‘શક્તિ પ્રદર્શન’ ને બદલે ‘જનસેવા’ ને પ્રાધાન્ય આપવાનો સંકેત છે. આ નવી પહેલ અંતર્ગત દેશભરના રાજભવનો અને કેન્દ્રીય સચિવાલયના નામોમાં પણ મોટા અને સૂચક ફેરફારો કરવામાં આવ્યા છે.

‘સેવા તીર્થ’ સંકુલ: સત્તાનું નવું કેન્દ્ર

નવા સરકારી સંકુલ “સેવા તીર્થ” માં કુલ 3 હાઈ-ટેક ઈમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું વિભાજન નીચે મુજબ છે:

સેવા તીર્થ-1: અહીં દેશના વડાપ્રધાનનું કાર્યાલય (PMO) રહેશે.

સેવા તીર્થ-2: આ બિલ્ડિંગમાં કેબિનેટ સચિવાલય કાર્યરત થશે.

સેવા તીર્થ-3: અહીં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) નું કાર્યાલય રહેશે.

આ નવી ઈમારતો સુરક્ષાની દૃષ્ટિએ અભેદ છે. તેમાં ગુપ્તચર માહિતીની સુરક્ષા, સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમ અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભવિષ્યના પડકારોને પહોંચી વળવા સક્ષમ છે.

વહીવટી કામગીરીને નવા સંકુલમાં લઈ જવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ગત 14 ઓક્ટોબરના રોજ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને ‘સેવા તીર્થ-2’ ખાતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ત્રણેય સેનાના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દ્વારા નવા સંકુલનું ઔપચારિક ઉદ્ઘાટન અને કાર્યારંભ થયો હોવાનું માનવામાં આવે છે.

મોદી સરકાર વહીવટી માળખાને સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત કરી ‘સેવા’ અને ‘જવાબદારી’ ની નવી ઓળખ આપવા માંગે છે. આ સંદર્ભમાં, દેશભરના રાજ્યપાલોના નિવાસસ્થાન એટલે કે રાજભવનોનું નામ બદલીને હવે “લોકભવન” કરવામાં આવી રહ્યું છે. અગાઉ વડાપ્રધાનના નિવાસસ્થાનનું નામ પણ ‘રેસકોર્સ રોડ’ થી બદલીને “લોક કલ્યાણ માર્ગ” અને દિલ્હીના રાજપથનું નામ “કર્તવ્ય પથ” કરવામાં આવ્યું હતું.

 

નામકરણની આ શૃંખલામાં કેન્દ્રીય સચિવાલય (Central Secretariat) ને પણ નવું નામ આપવામાં આવ્યું છે. હવેથી તે “કર્તવ્ય ભવન” તરીકે ઓળખાશે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફારો માત્ર નામ પૂરતા સીમિત નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સંદેશ આપવાનો છે કે સરકાર અને વહીવટી તંત્ર લોકોની સેવા કરવા માટે છે, સત્તા ભોગવવા માટે નહીં. આ ફેરફારો પારદર્શિતા, ફરજ અને સેવા પર આધારિત ‘નવા ભારતના શાસન’નું પ્રતિબિંબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *