સાયબર ઠગાઈના નાણાં મ્યુલ બેંક એકાઉન્ટમાં જમા કરાવી, તે રકમને વિવિધ માધ્યમો—જેમ કે ચેક, એટીએમ અથવા ઓનલાઈન એપ્લિકેશન—મારફતે રોકડમાં રૂપાંતરિત કરીને આંગડિયા પેઢી અથવા ક્રિપ્ટો વૉલેટ મારફતે પાકિસ્તાન અને દુબઈ મોકલવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાંડો ફોડવામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને સફળતા મળી છે.
અત્યાર સુધી પોલીસ કુલ આઠ આરોપીઓને ઝડપી ચૂકી છે. આ દરમિયાન સાયબર માફિયાઓને ક્રિપ્ટો વૉલેટ પ્રદાન કરનાર મુખ્ય સૂત્રધારને સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે.
સાયબર ગઠિયાઓ ઠગાઈથી મેળવેલા નાણાં મ્યુલ ખાતામાં જમા કરાવતા અને પછી તે તમામ રકમ પાકિસ્તાન તથા દુબઈમાં બેઠેલા તેમના સાથીદારો સુધી પહોંચાડતા હોવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમે પહેલેથી જ મ્યુલ એકાઉન્ટમાં ઠગાઈના નાણા જમા કરાવનારા આઠ આરોપીઓને ઝડપી લીધા હતા. હવે ક્રિપ્ટો વૉલેટ ઉપલબ્ધ કરાવનાર આરોપી ગૌરવ સવજીભાઈ કાકડીયા (રહે. સુરત)ને પણ પકડવામાં આવ્યો છે.
આરોપીના મોબાઇલ ફોનમાંથી 20થી વધુ બેંક એકાઉન્ટની માહિતી મળી આવી છે. આ તમામ વિગતો સમન્વય પોર્ટલમાં ચકાસતા દેશભરમાં 66થી વધુ સાયબર ગુનાઓ આ એકાઉન્ટ્સ દ્વારા આચરાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં અંદાજે 19 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈનો સમાવેશ થાય છે. વધુમાં, આરોપીના ફોનમાંથી 15થી વધુ બાઇનાન્સ વૉલેટ એડ્રેસ મળ્યા છે. પાકિસ્તાનના એડ્રેસ પર USDT ટ્રાન્સફર કરવા માટે આરોપી ચેતન ગાંગાણી દ્વારા અગાઉ પકડાયેલ પંકજ કથીરિયાને આપવામાં આવેલી માહિતી સંબંધિત ડિજિટલ પુરાવાઓ પણ પોલીસે મેળવી લીધા છે.
કમિશનની લાલચે દેશદ્રોહઃ પાકિસ્તાન અને દુબઈમાં નાણાં પહોંચાડવાની ભૂમિકા
ફક્ત 0.10 ટકા કમિશનના લાલચમાં આવીને દેશ સાથે ગદ્દારી કરનારા આરોપીને સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરીને પાકિસ્તાન અને દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મારફતે રકમ મોકલવાનું કામ આ આરોપી કરી રહ્યો હતો, જેની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ધરપકડ કરી લીધી છે.
પાકિસ્તાન અને દુબઈના સાયબર માફિયાઓ સાથે મીટિંગનો પણ ખુલાસો
છેલ્લા ચાર મહિનામાં આરોપીએ પાકિસ્તાનના વૉલેટ એડ્રેસ પર અંદાજિત રૂ. 10 કરોડના ક્રિપ્ટો ડોલર કન્વર્ટ કરીને મોકલ્યા છે. કુલ મળીને લગભગ 29 કરોડ રૂપિયાની ઠગાઈ પૈકી રૂ. 10 કરોડની રકમ આરોપીઓએ જમા કરાવી હોવાના ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવા પોલીસને મળ્યા છે. આ ઉપરાંત, આરોપી થોડા મહિના પહેલાં દુબઈથી ભારત આવ્યો હતો અને ત્યાં તેને પાકિસ્તાન તથા દુબઈના સાયબર માફિયાઓની સિન્ડિકેટ સાથે મીટિંગ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.