
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે ભારતને સોંપવામાં આવી છે અને હોસ્ટ સિટી તરીકે ગુજરાતના અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની 74મી જનરલ એસેમ્બલીમાં લેવામાં આવ્યો છે. જેમાં ભારત દ્વારા રજૂ કરાયેલ વિઝન ડોક્યુમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન અને આધુનિક સ્પોર્ટ્સ સિટીના રોડમેપે 74 સભ્ય દેશોના પ્રતિનિધિઓને પ્રભાવિત કર્યા.
જો કે, દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોને પાછળ છોડીને અમદાવાદની પસંદગી થવી એક મોટો સવાલ પણ ઊભો કરી રહી છે. આખરે ગુજરાતનું આ શહેર બાકીની મેટ્રો સિટી કરતા એટલું અલગ કેમ છે કે હવે તમામ મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અહીં શિફ્ટ થઈ રહી છે? ચાલો આજે અમે તમને જણાવીએ કે, શા માટે મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ દિલ્હી અને મુંબઈને બદલે અમદાવાદ શિફ્ટ થાય છે અને બાકીના શહેરો કરતા ગુજરાતનું માન્ચેસ્ટર કેમ અલગ છે?
સાલ 2010 પછી આ બીજી વખત છે, જ્યારે ભારત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. છેલ્લી વખત દિલ્હી હોસ્ટ હતું, પરંતુ આ વખતે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. કારણ કે છેલ્લા 10 વર્ષમાં અહીં હાઇટેક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. ગુજરાતમાં સૌથી મહત્વનું સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ છે, જ્યાં હાઇટેક એક્વેટિક્સ સેન્ટર, આધુનિક ફૂટબોલ સ્ટેડિયમ અને બે મોટા ઇન્ડોર એરેના બનાવવાની તૈયારી છે. સાથે જ લગભગ 3000 ખેલાડીઓ માટે ગેમ્સ વિલેજનું નિર્માણ પણ અહીં પ્લાન કરવામાં આવ્યું છે.
આ સિવાય અમદાવાદનું નામ આવતા જ સૌ પ્રથમ મનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આવે છે, જેની ક્ષમતા 1 લાખથી પણ વધુ દર્શકોની છે. આ ઉપરાંત શહેરે થોડા વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ઘણી ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે, જેમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયા કપ ક્વોલિફાયરનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે, ઇન્ટરનેશનલ ફેડરેશનને વિશ્વાસ છે કે અમદાવાદ મોટી મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટને કોઈપણ અવરોધ વિના સંભાળી શકે છે.
દિલ્હી અને મુંબઈ પહેલેથી જ હાઈ-ડેન્સિટી મેટ્રો સિટીઝ છે. જ્યારે અમદાવાદમાં નવા સ્પોર્ટ્સ એન્કલેવ, મોટા સ્ટેડિયમો, નવી હોટેલ, સારું રોડ નેટવર્ક અને મેટ્રો વિસ્તરણ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગુજરાતનો રેકોર્ડ મોટા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવાનો, રોકાણ આકર્ષવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી આકાર આપવાનો રહ્યો છે. CGFને પણ વિશ્વાસ હતો કે, અમદાવાદ સમય મર્યાદામાં તમામ તૈયારીઓ પૂરી કરી શકશે.
આ ઉપરાંત દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં મોટી ઇવેન્ટ્સને કારણે શહેર ઠપ થઈ જાય છે, પરંતુ અમદાવાદમાં ટ્રાફિકનું દબાણ ઓછું છે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લસ્ટર આધારિત છે, જ્યાં બધું જ એક જ સ્પોર્ટ્સ જિલ્લામાં વિકસાવવામાં આવી રહ્યું છે, જે આવી ઇવેન્ટ્સ માટે આદર્શ છે. જ્યારે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં આ પ્રકારની તૈયારી મુશ્કેલ બની જાય છે.
ભારતે CGF સમક્ષ જે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, તે સંપૂર્ણપણે ફ્યુચર રેડી અને ટેક્નોલોજી-ડ્રિવન હતું. તેમાં ઝીરો વેસ્ટ પોલિસી, ગ્રીન ટ્રાન્સપોર્ટ, કાર્બન ન્યુટ્રલ આયોજન, ડિજિટલ ઇન્ટિગ્રેશન અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થતો હતો. તેથી CGFને ભારતની આ યોજના ખૂબ પસંદ આવી હતી. દુનિયા હવે મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન સસ્ટેનેબલ મોડેલ પર કરવા માંગે છે.