“સરદાર પટેલે રાષ્ટ્રના રાજા રજવાડાને એક કર્યા, જય સરદારના નારા લાગ્યા” ઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઊજવણીના ભાગરૂપે સરદાર પટેલના વતન કરમસદથી શરૂ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખાતે પહોંચી હતી. જ્યાં યાત્રાના 8માં દિવસે 115 કિમી પુરા થયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે બહાદુરી બતાવીને રાજા રજવાડાને સમજાવીને એકસુત્રમાં બાંધ્યા. આખા રાષ્ટ્રના રાજા રજવાડાને એક કર્યા. જૂનાગઢ અને હૈદરાબાદે ભારતમાં જોડાવવાની ના પાડી હતી, તેમને તેમના શબ્દોમાં સમજાવ્યા અને દેશને એક કર્યો છે. સમગ્ર યાત્રા દરમિયાન જય સરદારના નારા લાગ્યા છે, રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને સિક્કિમના મુખ્યમંત્રી યાત્રામાં જોડાવાના હતા પણ કોઈ કારણોસર ઉપસ્થિત રહી શક્યા નહોતા. વડોદરાના શિનોર APMC ખાતેથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શિનોરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મોટા ફોફડીયા તરફ આગળ વધી હતી.
આ યાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડા, કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને દેશભરમાંથી આવેલા પદયાત્રીઓ જોડાયા હતા. યાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં નાનકડી બાળાઓ, બાળકો દ્વારા વિવિધ પેઇન્ટિંગ્સ, ‘જય સરદાર’ અને ‘ભારત માતા કી જય’ના નારા તેમજ વિવિધ પ્રકારના આકર્ષક નૃત્યોનો સમાવેશ થતો હતો. પદયાત્રા દરમિયાન આરોગ્ય કર્મીઓ નશામુક્તિના બેનરો સાથે, 108 એમ્બ્યુલન્સ અને સરદાર પટેલના જીવન પર આધારિત પુસ્તકોનો ‘સાહિત્ય રથ’ પણ સતત સાથે રહ્યો હતો. કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે આ યાત્રા ઓછામાં ઓછી 15 કિમીથી વધુની હશે. પદયાત્રા મોટા ફોફડીયા પહોંચી ત્યારે મહિલાઓ દ્વારા ફૂલ વર્ષાવીને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ હતી.
આ તબક્કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દિલીપ સંઘાણી પણ યાત્રામાં જોડાયા હતા, જોકે અગાઉની માહિતી મુજબ સિક્કિમના મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ કોઈ કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. મોટા ફોફડીયા ખાતે આયોજિત ‘સરદાર ગાથા’ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંચ પર પોતાના માટે રાખેલી ખાસ મોટી ખુરશી હટાવી અન્ય નેતાઓ જેવી સામાન્ય ખુરશીમાં બેસીને પોતાની સરળતા અને સાદગીનો પરિચય આપ્યો હતો. પોતાના સંબોધનમાં રાજ્યપાલે વલ્લભભાઈ પટેલના વકીલાત છોડીને બારડોલી સત્યાગ્રહમાં જોડાવા અને ત્યાંથી ‘સરદાર’ બનવા સુધીની સફરને યાદ કરી હતી. આજના આઠમા દિવસે એકતા યાત્રાએ સફળતાપૂર્વક કુલ 115 કિમી પૂર્ણ કર્યા હતા.
રાજ્યપાલ આચાર્યની દેવવ્રતે જણાવ્યું હતું કે, વલ્લભ ભાઈ પટેલે વકીલાત છોડીને ખેડૂતો માટે બારડોલી સત્યાગ્રહમાં જોડાયા અને ખેડૂતો માટે લડ્યા, ત્યાર સુધી તેઓ માટે વલ્લભ ભાઈ હતા, ત્યારબાદ તેઓ સરદાર બન્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ધારા 370 હટાવીને સરદાર પટેલનું કામ પૂરું કર્યું.સરદાર જે સન્માનના હકદાર હતા, તે તેમને સન્માન તેમને નરેન્દ્ર મોદીએ અપાવ્યું.સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશ્વની સૌથી પ્રતિમા બનાવીને સન્માન આપ્યું છે. ગુજરાતની આ ધરતી સંત મહાત્મા અને રાષ્ટ્ર ભક્તોની ધરતી રહી છે, ત્યારે ગુજરાત અને દેશ સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે, તેમાં જોડાયેલા તમામ લોકો અભિનંદનને પાત્ર છે.