
દક્ષિણ ગુજરાતની પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી પૈકી પહેલી ઇલેક્ટ્રિક ટેસ્લા કારની સુરત આરટીઓમાં નોંધણી થઈ છે. સુરતના એક સ્કૂલ-સંચાલક અને મિલમાલિકે 76 લાખની ટેસ્લા કાર ખરીદી છે. આ કાર ખરીદવા માટે કારમાલિકે 6 મહિના પહેલાં ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. છ મહિનાના વેઇટિંગ માટે કારમાલિકને ટેસ્લાની ડિલિવરી મળી છે. ગુજરાતમાં ટેસ્લાનો શો રૂમ ન હોવાથી કારમાલિકે મુંબઈ જઈને ટેસ્લા કારની ડિલિવરી લીધી હતી. મુંબઈમાં પણ ટેસ્લા કારની ટેસ્ટ ડ્રાઈવ અને ફીચર્સ જોઈ-જાણી શકાય છે. આ શો રૂમ પર ટેસ્લા કારનું સ્પોર્ટ બુકિંગ કરાવી શકાતું નથી. કારમાલિકો બુકિંગ સહિતની તમામ પ્રક્રિયા ફરજિયાતપણે ઓનલાઈન જ કરવી પડે છે. સુરત RTOમાં રજિસ્ટ્રેશન માટે આવેલી ઇલેક્ટ્રિક ટેસ્લા (મોડલ વાય) આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારનું ઇન્સ્પેક્શન કરનારા RTO ઇન્સ્પેક્ટરે પણ ટેસ્લાનું મોડલ જોઈ અચંબિત થઈ ગયા હતા. કારનું 360 ડિગ્રી એંગલથી નિરીક્ષણ કરવા સાથે એેનાં એડવાન્સ ફીચર્સથી વાકેફ થયા હતા. સુરત RTOઓના ચોપડે પહેલી નોંધણી થયેલી ટેસ્લા કાર લાલ કલરની છે. કાર ખરીદનાર માલિકે લાલ કલરની કાર ખરીદવા માટે કંપનીને 1.80 લાખ રૂપિયા એક્સ્ટ્રા ચૂકવ્યા હતા. જ્યારે વાહનમાલિકે RTOને અંદાજિત 1.40 લાખ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે. સુરતની એક ડાયમંડ કંપનીના માલિક પાસે ટેસ્લા કાર છે, પરંતુ તેમની પાસે મહારાષ્ટ્ર પાસિંગની ટેસ્લા કાર છે. આ કાર તેમણે એકાદ વર્ષ પહેલાં ખરીદી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમણે મુંબઈથી કાર ખરીદીને ત્યાં જ નોંધણી કરાવી હતી.