- Surat માં કોંગ્રેસ નેતાએ 538 બુટલેગરોની યાદી જાહેર કરી
- નામ,સરનામા અને મોબાઈલ નંબર સાથેની માહિતી જાહેર
- કામરેજ તાલુકાના 92 સક્રિય બુટલેગરોની માહિતીનો સમાવેશ
- બુટલેગરો સામે નોંધાયેલા ગુનાની સંખ્યા સાથેની માહિતી
- સુરતના 13 તાલુકાના બુટલેગરોની માહિતી: દર્શનભાઈ નાયક
- જિલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો સહિતની બદી ડામવા કરી માગ
- હેરફેર વેચાણ સામે નિયમિત રેડ કરી કાર્યવાહીની માગ
- બુટલેગરોના વાહનોના રજીસ્ટ્રેશન રદ કરવાની પણ માગ કરી
Surat : રાજ્યમાં દારૂબંદીના લીરેલીરા ઉડાવતા સમાચાર હવે જાણે સામાન્ય વાત બની ગઇ છે. ઘણીવાર એવા વીડિયો સામે આવે છે કે બુટલેગરો દ્વારા સરાજાહેર દારૂનો વેપલો કરાતો હોય છે. ત્યારે સુરતમાં કોંગ્રેસના નેતાએ એક એવી યાદી જાહેર કરી છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે.
વિપક્ષી નેતાએ 538 બુટલેગરોની યાદી જાહેર કરી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તાજેતરમાં જ પોલીસ તંત્રને સખત નિર્દેશ આપતા જાહેર જનતાને અપીલ કરી હતી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી મળ્યે 24 કલાકની અંદર રેડ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીના આ આશ્વાસનથી રાજ્યમાં ગેરરીતિઓ પર અંકુશ આવવાની આશા જન્મી હતી. જોકે, તેમના આ નિવેદન બાદ તરત જ સુરત જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલની નિષ્ફળતાને ઉજાગર કરતો એક મોટો રાજકીય પડકાર સામે આવ્યો છે, જ્યાં વિપક્ષી નેતાએ 538 બુટલેગરોની નામ-સરનામા સાથેની વિગતવાર યાદી જાહેર કરીને પોલીસની કાર્યક્ષમતા સામે સીધો સવાલ ઉઠાવ્યો છે.

કામરેજ તાલુકાના 92 બુટલેગરોની માહિતી પર ભાર (Surat)
વિસ્તારથી વાત કરીએ તો સુરત (Surat) માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે કોંગ્રેસના નેતા દર્શનભાઈ નાયક દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે સુરત જિલ્લાના 13 તાલુકાઓના 538 સક્રિય બુટલેગરોની વિગતવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં માત્ર નામ અને સરનામા જ નહીં, પરંતુ તેમના મોબાઈલ નંબર અને બુટલેગરો સામે અગાઉ નોંધાયેલા ગુનાઓની સંખ્યા જેવી ચોંકાવનારી માહિતી પણ સામેલ છે. ખાસ કરીને, કામરેજ તાલુકાના 92 બુટલેગરોની માહિતી પર ભાર મૂકવામાં આવ્યો છે. દર્શનભાઈ નાયકે આ યાદીના આધારે જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને ગાંજો જેવી તમામ પ્રકારની બદીઓને કાયમી ધોરણે ડામી દેવા માટે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. તેમણે ગેરકાયદેસર હેરફેર અને વેચાણ સામે નિયમિત રેડ કરીને કડક પગલાં લેવા તેમજ બુટલેગરો દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોના રજિસ્ટ્રેશન પણ રદ કરવાની માંગણી કરીને વહીવટી તંત્રને પડકાર ફેંક્યો છે.
પોલીસ પાસે માહિતી હોવા છતાં કાર્યવાહી શા માટે નહીં?
કોંગ્રેસના નેતા દર્શન નાયકે એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે સુરત જિલ્લા (Surat District) માં સક્રિય બુટલેગરોની સંપૂર્ણ માહિતી પોલીસ વિભાગ પાસે પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમણે ખુલાસો કર્યો કે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આ સત્તાવાર યાદી તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવે છે. આના પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતીનો કોઈ અભાવ નથી, પરંતુ કાર્યવાહીનો અભાવ છે, જે પોલીસ તંત્રની નિષ્ફળતા અને ઇચ્છાશક્તિ પર મોટો સવાલ ઊભો કરે છે.