બનાસકાંઠામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આવતીકાલ લોકાર્પણ કાર્યક્રમો પહેલાં વડગામ કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. વિકાસથી લઈને દારૂ-ડ્રગ્સ અને ખેડૂતોના દેવા સુધી—મેવાણીએ સીધી રાજકીય ટક્કર આપી છે અને કહ્યું છે કે મેં કહેલી માંગણીઓ સ્વીકારો પછી વડગામની ધરતી પર તમારું સ્વાગત છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ, પાલનપુર અને ડીસામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સૌપ્રથમ વડગામમાં લાઈબ્રેરીનું, બાદમાં પાલનપુરમાં જિલ્લા રમત સંકુલ અને મલ્ટીપર્પઝ ઈન્ડોર હોલનું, તેમજ ડીસામાં તાલુકા રમત સંકુલનું લોકાર્પણ યોજાશે.
કાર્યક્રમ પહેલાં મેવાણીએ કટાક્ષભર્યા સવાલો અને કેટલી માંગણીઓ કરી :
•8 ચોપડી પાસ વ્યક્તિ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરે?
•ટાંટિયા તોડવાની વાત કરનાર નવી પેઢીને સંસ્કાર આપી શકે?
•વડગામના ખેડૂતોના દેવા 30 દિવસમાં માફ કરવાનો વાયદો કરો.
મેવાણી આગળ દારૂ અને ડ્રગ્સ મુદ્દે પણ આક્રમક બન્યા..
•વડગામથી મજુરા સુધી દારૂ-ડ્રગ્સ ક્યાં નહીં મળે — એની ગેરંટી આપો.
•રાજસ્થાનથી આવતા દારૂના ખટારા બંધ થશે તેવું વચન આપો.
•શિવનગરથી લઇ દલિત-ઠાકોર સમાજના મોહલ્લા સુધી સ્થિતિ કેવી છે તે જોઈ જજો.
નર્મદા નીર, મુક્તેશ્વર ડેમ, કર્માવત તળાવ અને જલોત્રા GIDC મુદ્દા પર પણ મેવાણી તીખા નિવેદનો કરતા જોવા મળ્યા.તેમણે નવા યુવાનોની માંગણીઓ ક્લાસિસ, રમત મેદાન અને સ્પર્ધાત્મક પરીક્ષાની સુવિધાઓ સરકાર પૂરી કરે તેવી માંગ કરી. આક્રમક રાજકીય માહોલ વચ્ચે નાયબ મુખ્યમંત્રીનો આવતીકાલનો કાર્યક્રમ ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, મેવાણીના આ પડકારોને કોઈ જવાબ મળે છે કે નહીં.